જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટરશ્રી દ્વારા નવા મતદારોને પોતાનું નામ નોંધાવવા માટે અપીલ
ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરાફારોના કારણે હવે વર્ષમાં ૦૪ તારીખોએ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા નાગરિકો મતદાર તરીકે પોતાનું નામ નોંધાવી શકે છે. આ ફેરફારો અને મતદારયાદી સુધારણા ઝુંબેશ અંગે માહિતી આપવાના હેતુથી આજે અમરેલી જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલમાં જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટરશ્રી દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેક્ટરશ્રીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં આગામી તા. ૧૨ ઓગસ્ટ થી તા.૧૧ સપ્ટેમ્બર સુધી મતદારયાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
ખાસ કરીને પ્રથમવાર મતદાર તરીકે લાયક થતા યુવક-યુવતીઓ માટે હવે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલા ફેરફાર મુજબ મતદાર તરીકે નોંધણી કરાવવાની મોટી તક છે. હવે ૦૧/૦૪, ૦૧/૦૭/, ૦૧/૧૦ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા યુવક-યુવતીઓ પણ મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે. અગાઉ ફક્ત ૦૧/૦૧ના પરિપ્રેક્ષ્યમાં આ યાદી તૈયાર કરવામાં આવતી હતી. આ ફેરફારના કારણે પ્રથમવાર મતદાર તરીકે લાયક થનારા મતદારોની સંખ્યા વધશે. અમરેલીમાં આ તારીખો અંતર્ગત મેચ્યોર થતા યુવક-યુવતીઓ મતદાર તરીકે નોંધાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. અમરેલીમાં નવા મતદારો પ્રમાણમાં બહાર રહેતા હોવાની માત્રા વધુ હોવાથી લોકો સુધી આ સંદેશો પહોંચે તે આવશ્યક છે, અને વધુમાં વધુ લોકો લોકશાહીના પર્વમાં મતદાર તરીકે નોંધણી કરાવી અને મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે.
જિલ્લા કલેકટરશ્રીએ ઉમેર્યુ કે, અમરેલીમાં આગામી તા.૨૧/૦૮/૨૦૨૨, તા.૨૮/૦૮/૨૦૨૨, તા.૦૪/૦૯/૨૦૨૨, તા.૧૧/૦૯/૨૦૨૨ના રોજ તમામ ચૂંટણી અધિકારીશ્રીઓ ફિલ્ડમાં જશે અને બુથ પર જઈને નવા મતદારોના નામ નોંધવાની અને સુધારણા કાર્યક્રમ હેઠળની કામગીરી કરશે. આ ઉપરાંત લોકમેળા, ધાર્મિક સ્થળો સહિતના ધાર્મિક સ્થાનો પર પણ બુથ રાખી અને આ કામગીરી ઉપરાંત આધાર-પાન જોડાણની કામગીરી કરવામાં આવશે. અગાઉની સરખાણીએ અમરેલીમાં એક બુથનો વધારો થયો છે તેથી હવે કુલ ૧,૪૧૨ બુથ કાર્યરત થશે.
વધુમાં https://www.nvsp.in/ , https://eci.gov.in/voter/voter-registration/ , https://voterportal.eci.gov.in/ અને voter helpline એપ્લિકેશનની મદદથી ઓનલાઈન નોંધણી પણ કરાવી શકશે. આ ઉપરાંત ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પરથી પણ માહિતી મેળવી શકાશે. મતદાર નોંધણી અંગે વધુ માહિતી માટે બુથ પરથી અથવા કલેકટર કચેરી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અમરેલીનો સંપર્ક કરવાથી વધુ માહિતી મેળવી શકાશે.
Recent Comments