ઝારખંડમાં કોંગ્રેસી રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુને ત્યા ઇન્કમટેક્સના દરોડા

ઝારખંડમાં કોંગ્રેસના નેતા અને રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના રહેણાંક અને વ્યવસાયિક સ્થળોએથી મોટી માત્રામાં રોકડ મળી આવી છે. ધીરજ સાહુના રહેણાંકેથી ચલણી નોટોથી ભરેલો આખો કબાટ મળી આવ્યો છે. ચલણી નોટ ભરેલ કબાટ જાેઈને તો એક સમયે એવું જ લાગે કે કોઈ બેંકની તિજાેરી છે. રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ત્યાંથી પકડાયેલ કુલ રોકડ રકમ હજુ સુધી આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી. ચલણી નોટોની ગણતરી હજુ ચાલુ છે. આ રોકડ રકમ બુધવારે રાંચી અને લોહરદગામાં આવેલ સાંસદના નિવાસસ્થાન સહિત પાંચ સ્થળોએ ઇન્કમટેક્સના દરોડામાં મળી આવી હતી.. રાંચીના રેડિયમ રોડ પર આવેલા સાંસદના નિવાસસ્થાન સુશીલા નિકેતન ઉપરાંત ઓડિશાના બાલાંગિર, સંબલપુર અને કાલાહાંડીમાં એક-એક જગ્યાએ ગઈકાલે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગના અધિકારીઓએ રાંચીના રેડિયમ રોડ પરના તેમના નિવાસસ્થાને કામ કરવા આવતા કામદારોને પણ ઘરેથી જ પાછા મોકલી દીધા હતા. આવકવેરાની ટીમે લોહરદગા સ્થિત નિવાસસ્થાને પણ દસ્તાવેજાેની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. દરોડા દરમિયાન બહારથી કોઈને અંદર જવા દેવામાં આવ્યા ન હતા. સવારથી મોડી રાત સુધી આવકવેરા વિભાગની ટીમ દસ્તાવેજાેની ચકાસણીમાં વ્યસ્ત હતી.
Recent Comments