ઠાસરા તાલુકામાં નાણાકીય ગેરરીતિ બાબતે રજિસ્ટ્રારના ઓડિટમાં ૧.૫૨ કરોડના ગોટાળા નિકળ્યાં
ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીમાં અગાઉની બોડી દ્વારા કરવામાં આવેલી નાણાકીય ગેરરીતિ બાબતે કાર્યવાહી કરવાની માંગ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના લીગલ સેલ દ્વારા કરવામાં આવી હતી. જે બાબતે જિલ્લા રજીસ્ટ્રાર માં નોટીસ આપ્યા બાદ અને મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વિભાગ દ્વારા મંડળીનું ઓડીટ કરાવવામાં આવ્યું હતું. જે ઓડિટમાં અંદાજીત ૧.૫૨ કરોડની ગેરરીતિ થઈ હોવાનો રિપોર્ટ ઓડિટર દ્વારા આપવામાં આવતા ઉચાપત ખોરોના પગ તળેથી જમીન ખસી ગઈ છે. જાેકે રિપોર્ટ આવ્યા બાદ પણ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી દ્વારા ઉચાપત ખોરોને હિયરીંગ માટે વધુ મુદત આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઠાસરા તાલુકા પ્રાથમિક શિક્ષણ ક્રેડીટ સોસાયટીમાં ઉચાપત મામલે તપાસ કરવા તા.૧૩ એપ્રિલ ૨૦૨૨ ના રોજ જિલ્લા કોંગ્રેસના લિગલ સેલ ચેરમેન જયેસ તલાટી દ્વારા જિલ્લા રજીસ્ટ્રારને નોટિસ પાઠવવામાં આવી હતી. જે નોટિસ બાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સ્વતંત્ર એજન્સી મારફતે વર્ષ ૧ એપ્રિલ ૨૦૨૧ થી ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીનું શિક્ષક મંડળીનું ઓડિટ કરાવવામાં આવ્યું હતું. તારીખ ૯ જુન ૨૦૨૨ના રોજ ઓડિટ રિપોર્ટ આવી ગયો હતો. જેનો અહેવાલ જિલ્લા રજીસ્ટ્રારને સુપ્રત કરવામાં આવ્યો હતો. મહત્વની વાત છેકે આ રિપોર્ટમાં અંદાજીત રૂ.૧.૫૨ કરોડનું ધિરાણ કરેલ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
જેની સાથે ટાંકવામાં આવ્યું છેકે મંડળીના પેટા નિયમ ૪૬(૧) મુજબ રૂપિયા પંદર લાખની મર્યાદા નક્કી થયેલ હોવા છતાં વધુ ધિરાણ કયા કારણોસર કરેલ છે. જેના કારણે મંડળીની આર્થિક સ્થિતિ ઉપર વિપરીત અસર થવા બાબતે રિપોર્ટમાં જાણ કરવામાં આવી છે. રિપોર્ટના મુદ્દા નં.૩ માં. વસુલ લેવાની બાકીદાર યાદી મુજબ ૧૬ સભાસદો ને ચાલુ કરજ રૂ.૧.૧૬ કરોડ, સ્પે. લોન રૂ.૩૧.૪૭ લાખ અને તહેવાર લોનનું રૂ.૪.૨૩ લાખની વસુલાત બાકી હોવાનું બહાર આવ્યું છે. શિક્ષકોના ધ્યાન બહાર લોનો પાડી બારોબાર રકમ ઉપાડી લેવાઈ હતી. જેતે શિક્ષકને પોતાના નામે લોન પડી હોવાની જાણ થઈ તેવા ૩ શિક્ષકો એ જિલ્લા રજીસ્ટ્રારમાં ફરિયાદ કરી હતી, જેથી મંડળીના ચેરમેન અને સેક્રેટરી ને રૂબરૂ જિલ્લા રજીસ્ટ્રાર ઓફિસ બોલાવવા છતાં કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
શિક્ષણ આલમમાં ચર્ચા છેકે સ્વસંતંત્ર એજન્સી દ્વારા ઓડિટમાં ઉચાપત થઈ હોવાનો સ્પષ્ટ રિપોર્ટ કરવામાં આવ્યો છે. જે બાદ મંડળીના હોદ્દેદારોને હિયરીંગ માટે જિલ્લા રજીસ્ટ્રાર કચેરી બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ઠોસ કાર્યવાહીના બદલે હિયરીંગ ની વધુ એક મુદત પાડવામાં આવી છે. જાે ઓડિટમાં ઉચાપતનો સ્પષ્ટ ઉલ્લેખ છે તો પછી કાયદેસર કાર્યવાહી ક્યારે થશે? ઉચાપતના આક્ષેપો બાદ કાર્યવાહી શરૂ થતા જુની બોડીના ઉચાપતખોરો બચવા માટે જગ્યા શોધી રહ્યા છે. ઓડિટ રિપોર્ટમાં ઉચાપત ન પકડાય તે માટે બારોબાર લોન એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા બાદ પણ રિપોર્ટમાં હકીકત જાહેર થઈ જતા, હવે બચવાનો એકમાત્ર રસ્તો રાજકીય આકાઓનો ખોળો રહ્યો છે. અગાઉ જ્યારે લીગલ સેલના ચેરમેન જયેશ તલાટી દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને કાર્યવાહી માટે નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારે પણ આ ઉચાપત ખોરોને બચાવવા રાજકીય માંથાઓ સક્રિય બન્યા હતા.
Recent Comments