ડ્રોનથી ભઠ્ઠીઓ શોધી 65 કેસ નોંધ્યા,અમરેલી પોલીસે દેશી દારુની ધમધમતી ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી
અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને ગેરકાયદેસર વેચાણ/સેવન/વહન અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સુચનાથી દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામા આવ્યો હતો. જેને લઈને સ્પેશિયલ ભઠ્ઠી અંગેની પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસને દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવતા ઇસમો સામે ડ્રોનનો ઉપયોગ કરીને દારૂ બનાવવાની ભઠ્ઠીઓ શોધી કાઢવામાં સફળતા મળી છે.
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન કુલ 65 કેસો કરવામાં આવ્યા છે. જેમાં ભઠ્ઠીના 9, દેશી દારૂ કબ્જાના 23 તથા કેફી પીણુ પીવા અંગેના 33 કેસો કરવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રોન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા અમરેલી તાલુકા વિસ્તારનાં ચિતલ ગામે ડ્રોન ઉડાડી ડ્રોનની મદદથી ત્રણ જગ્યાએથી ચાલુ દેશી દારૂની ભઠ્ઠીઓ પકડવામાં આવી હતી. જેમાં એક જગ્યાએથી રૂ. 660ની કિંમતનો 33 લિટર દેશી દારૂ, 270 રૂપિયાની કિંમતનો 135 લિટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા 710ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. 1640ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. અન્ય જગ્યાએથી રૂ. 2280ની કિંમતનો 124 લિટર દેશી દારૂ, 364 રૂપિયાની કિંમતનો 182 લિટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા 1825ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ. 4469ના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ડ્રાઇવ દરમ્યાન દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવવાની અને દારૂ વેચાણની પ્રવૃતિ કરતા તેમજ કેફી પીણુ પીધેલા કુલ 49 આરોપીઓને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
Recent Comments