દુર્ગાધામ સંસ્થા દ્વારા ફિલ્મ, નાટક, નૃત્ય, સંગીત સહિતની વિવિધ કલાઓમાં પારંગત અને પ્રસિદ્ધ બ્રાહ્મણ કલાકરોના માર્ગદર્શન હેઠળ મેગા ઈવેન્ટના આયોજન રૂપે અમદાવાદમાં દુર્ગાધામના મુખ્ય કાર્યાલય ખાતે ગુજરાતના નામાંકિત કલાકરોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂપેરી પરદે ચમકતાં ફિલ્મ, સિરિયલ, ગીતો, જાહેરાત વગેરેમાં પ્રસિદ્ધિ પામેલા 150 થી વધુ બ્રાહ્મણ કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.
દુર્ગાધામ સંસ્થાના સંસ્થાપક તેમજ મુખ્ય સંયોજક શ્રી ભાવેશભાઈ રાજ્યગુરુના એક આહવાન પર તેમની સમાજલક્ષી વિવિધ યોજનાઓ અને ઉમદા કાર્યપ્રણાલીને વધાવવા માટે કલાકારો પણ હોંશે હોંશે સાથ આપી જોડાયા હતા.
દુર્ગાધામ સંસ્થા દ્વારા યોજવામાં આવેલ મિટિંગમાં નવોદિત કલાકારોને મંચ પ્રદાન કરી તેમનામાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના ઉમદા હેતુસર આગામી વર્ષ 2024 ના જાન્યુઆરી મહિનામાં ગોરાણી રિસોર્ટ ખાતે 7 દિવસની મેગા ઈવેન્ટ સહિત કોમ્પિટિશનનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે જ્યાં આશરે એક લાખથી પણ વધુ જનમેદની ઉપસ્થિત રહેશે. જે અનુસંધાને ગુજરાતના ખ્યાતનામ કલાકરોએ ઉપસ્થિત રહી વિવિધ કમિટીનું ગઠન કરી કાર્યના શ્રીગણેશ કર્યા હતા.
ઉપરોક્ત મિટિંગમાં ગુજરાતી ફિલ્મોના પ્રસિદ્ધ દિગ્દર્શક બિપિન બાપોદરા, પ્રસિદ્ધ સંગીતકાર સમીર રાવલ, સાથે પ્રસિદ્ધ કલાકરોમાં ભાર્ગવ ભટ્ટ, શીલ્પા ઠાકર, લલીત પંચોલી, પાર્થ રાવલ, મિહીર ઊપાધ્યાય, મિતાલી જાની, મનિષા જોષી, ભાવેશ પંડ્યા, ગીતકાર કવિ કેતન કમાલ સહિત અનેક મહાનુભાવો ઊપસ્થિત રહી આયોજનને સફળ બનાવ્યું હતું.
આગામી યોજાનાર મેગા ઈવેન્ટ અને કોમ્પિટિશનમાં બ્રહ્મ સમાજના યુવા કલાકારો પૈકી પ્રથમ, દ્વિતીય, અને ત્રિતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિજેતાઓને ફિલ્મ અને ગાયકીક્ષેત્રમાં ઉજ્જવલ ભવિષ્યના નિર્માણ માટે દિગ્દર્શક બિપિન બાપોદરા તેમજ સંગીતકાર સમીર રાવલ દ્વારા તક આપવાની હાંકલ કરવામાં આવી હતી. ત્યારે અત્રે ઉપસ્થિત તમામ કલાકારો દ્વારા દુર્ગાધામ સંસ્થા માટે ગીત લખવાથી લઈ સૂર-સંગીત આપી રેકોર્ડીંગ તેમજ શૂટિંગ કરવા અનેક ભુદેવોએ તૈયારી બતાવી હતી.
Recent Comments