દેશના ૧૫માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ અને એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી. દ્રૌપદી મુર્મૂ ૨૫ જુલાઈએ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. ભારતમાં વર્ષોથી ચાલી આવેલી પરંપરા છે કે નવા રાષ્ટ્રપતિ ૨૫ જુલાઈના રોજ શપથ લે છે. આ પરંપરા વિશે ખાસ જાણવા જેવું છે. હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, તેમના પહેલાના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રતિભા પાટિલે પણ ૨૫ જુલાઈના રોજ શપથ લીધા હતા. આ બધા અગાઉ પણ જે રાષ્ટ્રપતિ બન્યા તેમણે ૨૫ જુલાઈના રોજ શપથ લીધી હતી. અત્યાર સુધીમાં દેશના કુલ ૯ રાષ્ટ્રપતિઓએ ૨૫ જુલાઈએ શપથ લીધી છે.
ભારતમાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અને દર પાંચ વર્ષમાં એકવાર લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો મળીને રાષ્ટ્રપતિને ચૂંટી કાઢે છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક ખાસ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરાય છે તે આપણે જાણ્યું. સીધા શબ્દોમાં કહીએ તો તેની પાછળ કોઈ કારણ નથી. છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી અને ત્યારબાદ અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિઓએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો છે. અગાઉ જાણ્યું તેમ રાષ્ટ્રપતિનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. નીલમ સંજીવ રેડ્ડી, અને ત્યારબાદ અત્યાર સુધીના ૭ રાષ્ટ્રપતિઓ એમ કુલ ૮ રાષ્ટ્રપતિએ પોતાનો કાર્યકાળ પૂરો કર્યો. આથી દર વખતે તેમનો કાર્યકાળ ૨૪ જુલાઈએ પૂરો થવાની સાથે જ ૨૫ જુલાઈએ નવા રાષ્ટ્રપતિ શપથ લે છે.
હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ પણ ૨૪ જુલાઈએ પૂરો થવા જઈ રહ્યો છે. આથી આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ ૨૫ જુલાઈએ શપથ લેશે. દેશન છઠ્ઠા રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી પહેલા રાષ્ટ્રપતિ હતા જેમણે ૨૫ જુલાઈએ શપથ લીધા. દેશમાં ઈમરજન્સી બાદ જ્યારે પહેલીવાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થઈ ત્યારે પૂર્વમાં જનતા પાર્ટીના નેતા રહી ચૂકેલા નીલમ સંજીવ રેડ્ડી દેશના રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવ્યા. તેમણે ૨૫ જુલાઈ ૧૯૭૭ના રોજ દેશના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. અત્યાર સુધીમાં ૫ રાષ્ટ્રપતિ એવા રહ્યા કે જેમણે ૨૫ જુલાઈએ શપથ લીધા નથી. તેમાં સૌથી પહેલું નામ પહેલા રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદનું આવે છે.
તેમણે ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ પદના શપથ લીધા હતા અને અત્યાર સુધીમાં તેઓ એકમાત્ર એવા રાષ્ટ્રપતિ છે જેઓ એક કરતા વધુ કાર્યકાળ માટે ચૂંટાયા. દેશના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને ૧૩ મે ૧૯૬૨ના રોજ શપથ લીધા હતા. જ્યારે ઝાકિર હુસૈને ૧૩ મે ૧૯૬૭ના રોજ ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. ઝાકિર હુસૈનનું તેમના કાર્યકાળ દરમિયાન નિધન થયું હતું. ત્યારબાદ ચોથા રાષ્ટ્રપતિ વીવી ગિરીએ ૨૪ ઓગસ્ટ ૧૯૬૯ના રોજ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. જ્યારે પાંચમા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદે ૨૪ ઓગસ્ટ ૧૯૭૪ના રોજ શપથ લીધા.
પાંચમા રાષ્ટ્રપતિનું પણ તેમના કાર્યકાળ દરમિયાન જ નિધન થયું હતું. આ દરમિયાન ત્રણવાર એવું પણ બન્યું કે જ્યારે દેશમાં કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા. પહેલીવાર ત્યારે જ્યારે ઝાકિર હુસૈનનું નિધન થયું તો તે સમયે વીવી ગિરી ૩ મે ૧૯૬૯ના રોજ ૭૮ દિવસ સુધી કાર્યવાહક રાષ્ટ્રપતિ રહ્યા. ત્યારબાદ ૨૦ જુલાઈ ૧૯૬૯થી આગામી ૩૫ દિવસ સુધી મોહમ્મદ હયાતુલ્લા કાર્યવાહક રાષ્ટ્રપતિ બન્યા. પાંચમા રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદના નિધન બાદ બીડી જત્તી પણ ૧૧ ફેબ્રુઆરી ૧૯૭૭થી આગામી ૧૬૪ દિવસ સુધી કાર્યવાહક રાષ્ટ્રપતિ રહ્યા.


















Recent Comments