હરિયાણામાં મુખ્યમંત્રીના શપથની તારીખ નક્કી કરવામાં આવી છે. ૧૭ ઓક્ટોબરે મુખ્યમંત્રી નયબ સિંહ સૈની બીજી વખત શપથ લેશે, જેની સાથે તેઓ પોતાની નવી ઇનિંગની શરૂઆત કરશે. શપથ સમારોહ વિશે માહિતી આપતા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું કે શપથ સમારોહ પંચકુલાના પરેડ ગ્રાઉન્ડમાં યોજાશે. પંચકુલામાં શપથ સમારોહની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે ભાજપના નેતા સંજય ભાટિયાએ વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી. ભાજપ હાઈકમાન્ડે તૈયારીઓની જવાબદારી સંજયને સોંપી છે. આ શપથ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લેશે.
નયાબ સિંહ સૈનીને ભાજપ દ્વારા માર્ચ ૨૦૨૪માં મુખ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું હતું. સૈનીના નેતૃત્વમાં પાર્ટીએ રાજ્યમાં શાનદાર જીત નોંધાવી છે. સાડા ??નવ વર્ષના કાર્યકાળ બાદ મનોહર લાલ ખટ્ટરને હટાવીને મુખ્યમંત્રી પદ આપવામાં આવ્યું હતું. રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૯૦માંથી ૪૮ બેઠકો જીતીને સતત ત્રીજી વખત જીત મેળવી છે. આવું કરનાર તે રાજ્યની પ્રથમ પાર્ટી છે. કોંગ્રેસને આ ચૂંટણીઓમાંથી ઘણી આશાઓ હતી, પરંતુ સારૂ પ્રદર્શન કરવા છતાં પાર્ટી બહુમતીથી ઓછી પડી. મુખ્યમંત્રીની સાથે અન્ય મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નામની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અનિલ વિજ (અંબાલા કેન્ટ), હરવિંદર કલ્યાણ (ઘરૌંડા), અરવિંદ કુમાર શર્મા (ગોહાના), શ્યામ સિંહ રાણા (રાદૌર), વિપુલ ગોયલ (ફરીદાબાદ), જગમોહન આનંદ (કરનાલ), કૃષ્ણ લાલ મિદ્ધા (જીંદ), નિખિલ મદન (સોનીપત) અને ઘનશ્યામ દાસ (યમુનાનગર) એવા નામ છે જેઓ કેબિનેટની રેસમાં છે.
Recent Comments