નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અમરેલી તાલુકાના ગાવડકા, નાના ભંડારીયા, માંગવાપાળમાં પાણી પુરવઠાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
અમરેલી જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પરિભ્રમણની સાથે સાથે વિકાસકાર્યોના ખાતમુહૂર્ત પણ થઈ રહ્યા છે. અમરેલી તાલુકામાં મંગળવારના રોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે ગાવડકા, નાના ભંડારીયા અને માંગવાપાળ ગામ ખાતે ખૂટતા સ્ટોરેજ અંતર્ગત નવા સંપના નિર્માણકાર્યનું ખાતમુહૂર્ત થયું હતું.
આ વિકાસકાર્યો વિશે માહિતી આપતા પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી ઉષાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, અમરેલી તાલુકામાં જંગર જૂથ યોજના હેઠળ ગાવડકા, નાના ભંડારીયા અને માંગવાપાળ ખાતે ખૂટતા સ્ટોરેજ અંતર્ગત સંપનું નિર્માણ કરવામાં આવશે. જે અંતર્ગત ગાવડકામાં આશરે રુ.૦૫ લાખના ખર્ચે ૧ લાખ લીટરની ક્ષમતા ધરાવતો સંપ બનશે, નાના ભંડારીયા ખાતે ૧.૨૦ લાખ લીટરની ક્ષમતા ઘરાવતો સંપ આશરે રુ. ૦૬ લાખના ખર્ચે બનશે જ્યારે માંગવાપાળમાં ૨ લાખ લીટરની ક્ષમતા ધરાવતો સંપ આશરે રુ. ૦૮ લાખના ખર્ચે નિર્માણ પામશે જેનું ખાતમુહૂર્ત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રીએ કર્યુ હતુ.
પાણી પુરવઠા વિભાગના આ વિકાસકાર્યો થકી અમરેલી તાલુકાના ગાવડકા, નાના ભંડારીયા અને માંગવાપાળના રહેવાસીઓની સુખાકારીમાં વધારો થશે તેવો નાયબ મુખ્ય દંડકશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમોમાં ગામના સરપંચશ્રી, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments