અમરેલી

પર્યાવરણમાં મહત્વનો ફાળો – મહત્તમ સોલાર રુફ ટોપ સુવિધા ધરાવતું અમરેલીનું દૂધાળા ગામ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૨૮ ઓકટોબર, ૨૦૨૪ને સોમવારના રોજ અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. તેમની મુલાકાત દરમિયાન તેઓશ્રી લાઠીના સોલાર ગામ એવા દુધાળાની મુલાકાત કરશે. પ્રધાનમંત્રીશ્રી દ્વારા વિવિધ વિકાસ કાર્યોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ થનાર છે. ગુજરાત રાજયને જળસંચય, રેલવે, માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ મળશે.   સોલાર રુફ ટોપનો વ્યાપ વધે અને નાગરિકો સ્વચ્છ ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરે તેવા ઉદ્દેશ્ય સાથે રાજય સરકાર દ્વારા સોલાર રુફ ટોપ માટે સહાય પણ આપવામાં આવે છે. વરસાદી પાણીથી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગ્રાઉન્ડ વોટર રિચાર્જની પ્રવૃત્તિઓમાં અહીંના નાગરિકોએ પણ જાગૃત્તિ દાખવતા ઉજજ્વળ ભાવિ માટે પ્રકૃતિ સંવર્ધનના કાર્યોને પ્રાથમિકતા આપી છે. 

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે જળસંગ્રહ અને સૌર ઊર્જા ક્ષેત્રે ક્રાંતિજનક પગલાઓ ભર્યા છે. નાગરિકોએ જળ સંરક્ષણ અને વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓમાં નવા અભિગમને અપનાવી પ્રકૃતિ સંરક્ષણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. વરસાદી પાણીનો વેડફાટ ન થાય, તેના સંગ્રહ થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું આવે અને સ્વચ્છ વીજળી માટે સોલાર રુફ ટોપ સહિતની સુવિધાઓને અપનાવી નવી રાહ ચીંધી છે.  અમરેલી જિલ્લામાં લાઠી તાલુકાના દાતાશ્રીઓ અને ઉદ્યોગપતિશ્રીઓએ વતન પ્રત્યેનું ઋણ ચૂકવવા અને પ્રકૃતિ સંરક્ષણ અને પર્યાવરણ પ્રેમની ઝાંખી કરાવી છે. રાજય સભાના સાંસદ શ્રી ગોવિંદભાઇ ધોળકીયાએ વ્યક્તિગત રીતે તેમના વતન દુધાળા ગામ ખાતે ઓગસ્ટ-૨૦૨૨થી સોલાર રુફટોપ સુવિધાનું નિર્માણ કર્યુ છે. પ્રકૃતિ દોહનને બદલે પ્રકૃતિ સંરક્ષણ માટેના તેમના ભાવ અને વિચાર થકી સમગ્ર દુધાળા ગામમાં નિર્માણ પામેલી આ  સુવિધા થકી ઇકો સિસ્ટમને ઘણો ફાયદો થશે. શ્રી ધોળકીયા દ્વારા કરવામાં આવેલા આ કાર્ય થકી પર્યાવરણ અને પ્રકૃતિ સંરક્ષણ પ્રત્યેની આપણા સૌ કોઇની જવાબદારીનો સંદેશ પણ મળી રહ્યો છે.

 મહત્વનું છે કે, દુધાળા ગામમાં ઓગસ્ટ-૨૦૨૨થી સોલાર રુફટોપ સુવિધા છે, જે ૨૬૨ કિલોવોટની ક્ષમતા ધરાવે છે. ઓગસ્ટ-૨૦૨૨ થી માર્ચ-૨૦૨૪ના સમયગાળામાં ૪,૫૯,૩૦૬ યુનિટ જનરેટ થયા છે.સોલાર રુફટોપ સુવિધા થતાં દુધાળાના વીજધારકો દ્વારા પીજીવીસીએલને વીજ વેચાણ કરતાં વીજધારકોના ખાતામાં રકમ રુ. ૩,૫૬,૧૨૪.૮૦ બેંક ખાતામાં જમા કરવામાં આવી છે.  અમરેલી જિલ્લામાં મહત્તમ સોલાર રુફ ટોપ ‌ધરાવતા ગામ તરીકે દુધાળા ગામ પર્યાવરણમાં મહત્વનો ફાળો આપી રહ્યું છે.

Related Posts