પાટણ જિલ્લા પોલીસ દ્વારા લોન ધિરાણ કેમ્પમાં ૩.૬૯ કરોડની લોન લાભાર્થીઓને આપવામાં આવી
પાટણ જિલ્લા પોલીસ તેમજ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નગરપાલિકા તેમજ રાષ્ટ્રીયકૃત તથા સરકારી બેન્કોના સૌજન્યથી આજરોજ લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કન્વેન્શન હોલ ખાતે આયોજીત આ કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા માન.સાંસદસભ્ય ભરતસિંહજી ડાભીના હસ્તે વિવિધ બેન્કો દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. રૂ.૩.૬૯ કરોડની લોન લાભાર્થીઓને આપવામાં આવી હતી.
લોકોને વ્યાજબી દરે લોન ધિરાણ મળી રહે તે અંગે આજરોજ આયોજીત કેમ્પમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણા ધિરાણ કરી સામાન્ય પ્રજાજનોને ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકનાર અસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. નાગરીકોને પોતાના ધંધા રોજગાર ચલાવવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા બેંકો મારફતે ખુબ ઓછા વ્યાજના દરે ધિરાણ આપવામાં આવે છે તેમજ ધિરાણ ઉપર સબસીડી પણ આપવામાં આવે છે. જરૂરીયાતમંદ નાગરીકો ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણા ધિરાણ કરતા લોકોની જાળમાં ફસાઈ ન જાય તેમજ આ પ્રકારે થતી પ્રવૃતિને ટાળવા માટે અને લોકોને લોન મેળવવા માટે મદદરૂપ થવા માટે લોન/ધિરાણ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ
આજના કેમ્પમાં જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ દ્વારા લોકોને લોન ધિરાણ અંગે સારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીયકૃત બેંક સહકારી બેંકના પ્રતિનિધિઓ દ્વારા પણ લોકોને સરકારી લોન લેવાના ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા. લોન ધિરાણ કેમ્પમાં સાંસદસભ્ય પાટણ ભરતસિંહજી ડાભી, ધારાસભ્ય રાધનપુર મતવિસ્તાર લવિંગજી ઠાકોર, પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ, ક્ષેત્રીય પ્રબંધક લીડ બેંક મેનેજર બેંક ઓફ બરોડા પાટણ, લીડ બેંક મેનેજર બેંક ઓફ બરોડા પાટણ કે.એ.ગહેલોત, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાટણના જનકભાઈ ચૌહાણ તેમજ પોલીસ સ્ટાફ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments