fbpx
ગુજરાત

પારુલ યુનિવર્સિટીના ૬ઠ્ઠા દીક્ષાંત સમારોહમાં ૬,૪૬૮ વિદ્યાર્થીને ડિગ્રી, ૭૪ ગોલ્ડ મેડલ એનાયત

પારુલ યુનિવર્સિટીનો ૬ઠ્ઠા દીક્ષાંત સમારોહમાં સાંજે ૧૫૦ એકરના કેમ્પસમાં યોજાયો હતો. યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં ૬૪૬૮ વિદ્યાર્થીને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવવા માટે તેમના મિત્રો અને પરિવારજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમારોહના મુખ્ય અતિથિ તરીકે જેમાં ક્રિકેટર મિતાલી રાજ અને એક્ટરતેમજ કોરોનાકાળમાં હજારો લોકોની મદદ કરનાર સોનુ સૂદ હાજર રહ્યા હતા. એટલું જ નહીં મુખ્ય અતિથિના હસ્તે શ્રેષ્ઠ દેખાવ બદલ વિદ્યાર્થીઓને ૭૪ ગોલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આજના સમારોહને વિદ્યાર્થીઓ માટે યાદગાર બનાવવા માટે ૧૦,૦૦૦ થી વધુ મહેમાન હાજર રહ્યા હતા. યુનિવર્સિટીના વડોદરા કેમ્પસમાં મિથાલી રાજ અને સોનુ સૂદની આગેવાની હેઠળ નીકળેલા પદવીદાન સમારોહની ભવ્ય શોભાયાત્રાથી ૬ઠ્ઠા દીક્ષાંત સમારોહની શરૂઆત થઇ હતી.

મિથાલી રાજ અને સોનુ સૂદ ઉપરાંત સમારોહમાં પ્રમુખ ડૉ.દેવાંશુ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. અમિત ગણાત્રા, પ્રો વાઇસ ચાન્સેલર ડૉ.એચ.એસ.વિજયકુમાર, સલાહકાર ડૉ. એમ. એન. પટેલ, રજિસ્ટ્રાર પ્રો.મનીષ પંડ્યા અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને ગવર્નિંગ બોડીના માનનીય સભ્યો હાજર રહ્યા હતા. છઠ્ઠો દીક્ષાંત સમારોહ ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અભ્યાસક્રમોના વિવિધ પ્રવાહો જેવા કે એન્જિનિયરિંગ, એપ્લાઇડસાયન્સ, કોમર્સ, કોમ્પ્યુટર એપ્લીકેશન, એપ્લાઇડ સાયન્સ, કોમર્સ, આર્ટ્‌સ, ફાઇન આર્ટસ, લાઇબ્રેરી સાયન્સ, હેલ્થ એડમિનિસ્ટ્રેશન, જાહેર આરોગ્ય, ફાર્મસી, ફિઝિયોથેરાપી, આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ, આર્કિટેક્ચર, કૃષિ, સામાજિક કાર્ય, ડિઝાઇન, કાયદો, વ્યવસ્થાપન સહિતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. એટલું જ નહીં સમારોહમાં યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમના કાર્યના વિવિધ ક્ષેત્રો અને સ્ટાર્ટ-અપ્સમાં તેમના યોગદાન અને સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત લાયક વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમમાં શ્રેષ્ઠતાના ચિહ્ન તરીકે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ વર્ષના સમારોહમાં કુલ ૭૪ વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ તેમજ ૨૪ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત સફળ સ્ટાર્ટઅપને એક અને ૭ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમની પ્રખ્યાત વ્યાવસાયિક કારકિર્દીમાં તેમના યોગદાન માટે સ્નમાનિત કરવામાં આવ્યા હતા. યુનિવર્સિટીના સુવર્ણ ચંદ્રક મેળવનાર વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દીમાં શ્રેષ્ડ પરિમાણો મેળવ્યા છે. જે પૈકીના એક ચંદેરા દિશા અશોક હાલમાં ઉનાની મહેતા સાર્વજનિક હોસ્પિટલમાં મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ તરીકે કાર્યરત છે. તો સંજય સિંહ પીસેટ ઈન્ટરનેશનલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં, ક્રિષ્ના સોમરૂપા ભારત પેરેંટેરલ્સ લિ.માં, પટેલ પ્રશાંત ગજેન્દ્રભાઈ સન ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીઝમાં, અમીષા પંચાલ યુડીઝ સોલ્યુશન્સ લિમિટેડમાં પોતાની કારકિર્દી બનાવી ચૂક્યા છે.

એટલું જ નહીં અન્ય ઘણા વિદ્યાર્થીઓ ભારત અને વિશ્વભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં એડવાન્સ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં વિરાજ રાઉલજી હાલમાં કેનેડામાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે, અને તેમણે એક આંતરરાષ્ટ્રીય જર્નલમાં સંશોધન પત્ર પણ પ્રકાશિત કર્યું છે. તેમજ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં સમતા મનીષ ઝવેરી તેમની માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. તે ઉપરાંત સુવર્ણ ચંદ્રક મેળવનાર પૈકીના વિદ્યાર્થીઓ એવા ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે કે જેની સકારાત્મક સામાજિક અસર છે. તો કેટલાક હાલ યુપીએસસી પરીક્ષા માટે તૈયારીઓ કરી રહ્યા છે. પદવીદાન સમારોહમાં ક્રિકેટર મિથાલી રાજે જણાવ્યું હતું કે, આપ વિદ્યાર્થીઓએ તેમજ તમારા માતા પિતાએ તમારા અભ્યાસ સમયમાં જે બદલીદાન આપ્યા છે તેનું ફળ તમને મળી રહ્યું છે.

તમને તમારી યુનિવર્સિટી તરફથી જે મળ્યું છે તે તમારે તમારા ભવિષ્યમાં ઉપયોગી બનાવી સમાજને કંઈક પરત આપવાનું છે તે યાદ રાખજાે. જીવનમાં જે ધ્યેય નક્કી કર્યો છે તેને પૂર્ણ કરવા હંમેશા મહેનત કરજાે ફળ જરૂરથી મળશે. મારુ જ ઉદાહરણ આપું તો મને ડાન્સમાં રસ હતો જેથી હું ભરતનાટ્યમનો અભ્યાસ કરતી હતી. પરંતુ ક્રિકેટમાં આવ્યા બાદ ઘણી વખત ફેઈલ થઇ, પછી પડી પણ મહેનત કરવાનું નહોતું છોડ્યું. જેનું પરિણામ આજે મને મળ્યું છે. મારી ક્રિકેટર તરીકેની શરૂઆતમાં મહિલા ક્રિકેટને આટલું મહત્વ મળતું ન હતું. પરંતુ મહિલા ક્રિકેટરને પુરુષ સમકક્ષ પગાર મળે છે તેમજ બીસીસીઆઈ દ્વારા મહિલા આઈપીએલની શરૂઆત કરવાની પણ વાત કરવામાં આવી છે. હું ૨૩ વર્ષની ક્રિકેટરમાં છું ને તક મળશે તો સંપૂર્ણ જીવન આમ જ રહીશ. પરંતુ એક વાત મને શીખવા મળી છે કે, જીવનમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ પરફોર્મન્સ જ છે. હું મારા વિરોધીઓની પણ મારા પરફોર્મન્સથી જ જવાબ આપતી હતી.

તમારે પણ જીવનમાં તમારા પરફોર્મન્સ પર ભરોસો રાખી તેમાં ૧૦૦ ટકા આપવાનું સફળતા તમને જરૂર મળશે. એક્ટર સોનુ સૂદે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, જયારે કોલેજમાં આવ્યો ત્યારે મને મારા કોલેજના દિવસો યાદ આવી ગયા. મારી માતા પણ પંજાબની કોલેજમાં પ્રોફેસર હતી. તે કહેતી હતી કે જીવનમાં કંઈક કરવાની ઈચ્છા થાય તો શિક્ષણ માટે કરજે. તેઓ મારી સાથે નથી પરંતુ તમારી વચ્ચે આવી મને તેમનું સ્વપ્ન પૂર્ણ કર્યું હોય તેમ લાગે છે. હું આશા રાખું છું કે, મને પણ આ કોલેજમાં એડમિશન મળે હું પણ તમારી જેમ અહીં અભ્યાસ કરી શકું. મારા જીવનમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો પણ પહેલાથી જ એક્ટર બનવાની ઈચ્છા હતી, જેથી મુંબઈ ગયો અને ઘણી મહેનત કરી.

ઘણા ધક્કા પણ કહેવા પડ્યા હતા પણ હતાશ ન થઇ સતત મહેનત કરતો રહ્યો જેનું પરિણામ મને આજે મળ્યું છે. કોરોના સમયે પણ લોકોની મદદ કરવા નીકળ્યો તો ખબર ન હતી કે કેવી રીતે કરીશ, લોકો રોકતા પણ હતા. પરંતુ રોકાયા વિના સતત દોડતો રહ્યો નો કેમેરા નો લાઇટ્‌સ માત્ર એક્શન. મેડિકલ સહિતની બાબતો વિષે કોઈ જાણકારી ન હતી. તેમ છતાં માતા પિતાના આશીર્વાદ અને તમારા પ્રેમથી જ બધું કરી શક્યો હતો.

છેલ્લે એક કવિતાથી પોતાના વક્તવ્યને વિરામ આપતા સોનુ સુદે કહ્યું હતું કે, હોસલા રખ એક સમય એસ આયેગા, ઘડી દુસરો કી હોગી પર વક્ત તેરા દિખાયેગી.. પારુલ યુનિવર્સિટીના પ્રમુખ ડો. દેવાશું પટેલે તેમના વ્યક્તવ્યમાં વિદ્યાર્થીઓને જીવન સાથે સંકળાયેલી કેટલી રમૂજ થકી જીવનનો ભાવ સમજાવ્યો હતો. તો વિશ્વમાં નિષ્ફ્ળતા બાદ સફળતાને વરેલા અનેક મહાનુભાવોના જીવનના વૃતાંત આપી વિદ્યાર્થીઓને તેમના જીવનમાં કેવી રીતે આગળ વધવું અને સમાજને ઉપયોગી થવું તે સમજાવ્યું હતું.

Follow Me:

Related Posts