પાલનપુર જનરલ હોસ્પિટલમાં કિમોથેરાપી સેન્ટરનો શુભારંભ કરાયો
પાલનપુર ગલબાભાઈ નાનજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જનરલ હોસ્પિટલ ખાતે કિમો થેરાપી સેન્ટરનો પ્રારંભ કરાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કુલ જુદા-જુદા ૨૨ સ્થળો ખાતે ૨૧૨ કરોડના ખર્ચે કિમોથેરાપી સેન્ટરોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કેન્સરના દર્દીઓને સારવાર માટે અમદાવાદ સુધી જવું પડતું હતું. ત્યારે પાલનપુરની જનરલ હોસ્પિટલ ખાતે ડે કેર કીમોથેરાપી સેન્ટર શરૂ કરાયું છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેન્ટર ખાતે પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી કેન્સરના દર્દીઓને આ સુવિધાનો લાભ મળી રહેશે. જેમાં રાજ્યના કેન્સર પીડિત દર્દીઓને પોતાના જિલ્લામાં કિમોથેરાપી મળશે.
આ કિમોથેરાપી સેન્ટર માટે રૂ. ૧૨ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જી.એન.પી.સી ટ્રસ્ટના ચેરમેન પી.જે.ચૌધરી, ડો. સુનીલ જાેષી, ડો. મનોજ સત્તીગેરી , ડો. સતીષ પાનસુરીયા સહિત સ્ટાફ હાજર રહ્યો હતો. જિલ્લાના કેન્સર પીડિત દર્દીઓ માટે અહી સુવિધાઓ ન હોવાને કારણે કિમોથેરાપી સહિતની સારવાર માટે અમદાવાદ સુધી ધક્કા ખાવા પડતાં હતા અને દર્દી સાથે જનારા સ્વજનોને પણ રજા પાડીને જવું પડતું હતું અને ૨થી ૩ દિવસ રોકાવું પડતું હતું. ધક્કા ખાવાથી દર્દીઓને હેરાનગતિ થતી હતી અને આવવા જવાનો ખર્ચ થતો હતો. હવે અમદાવાદ ધક્કા ખાવા નહિ પડે અને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાંજ કિમોથેરાપીની સારવાર મળશે.
આ ઉપરાંત કિમોથેરાપીવાળાં દર્દીને નબળાઈ, ઇન્ફેક્શન, ઝાડા-ઉલટી જેવી આડ અસર થાય અથવા ઓપરેશન કરાવેલા દર્દીઓને પાલનપુરમાંજ સારવાર અપાશે. કેન્સરના દર્દીઓને ઓપરેશન બાદ અથવા ઓપરેશન ન થઇ શકે તેવા કેસમાં કેન્સર આગળ ન ફેલાઈ જાય અને દર્દીનું જીવન લંબાય તે માટેની દવાઓ કિમોથેરાપી છે. આ દવાઓ કેન્સરના કોષોને મારી નાખે છે અથવા તેના કોષો વધી ન જાય તે માટે આપવામાં આવે છે. આ માટે દર્દીને અમુક દિવસો સુધી કિમોથેરાપી સેન્ટર આવવું પડતું હોય છે. આ દવાઓની આડ અસરો પણ ઘણી હોય છે. તેથી ડોક્ટરની દેખરેખ હેઠળ તે આપવામાં આવતી હોય છે. જે હવે પાલનપુરમાં થશે.
Recent Comments