રાષ્ટ્રીય

પોલીસ સ્ટેશને પહોંચેલી પ્રેમિકાએ કરી પ્રેમી સાથે પરણાવીની જીદ!

પ્રેમ આંધળો હોય છે અને પ્રેમ કરનાર વ્યક્તિ સૂઝબૂઝ ગુમાવી દે છે. તેઓ પ્રેમને પામવા માટે ઘણી વખત જાેખમી તો ક્યારેક વિચિત્ર હરકત કરી બેસે છે. આવું જ મુરાદાબાદ પાકબડા વિસ્તારમાં બન્યું છે. જ્યાં પ્રેમી સાથે લગ્ન કરવા માટે યુવતી પોલીસ સ્ટેશનમાં જીદે ચઢી હતી. મુરાદાબાદના પાકબડા વિસ્તારમાં સોમવારે સવારે ૧૧ વાગ્યે પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર ખુરશી પર બેસીને કોઈ ફરિયાદની રાહ જાેઈ રહ્યા હતા. તે દરમિયાન એક યુવતી હાથ જાેડીને ઇન્સ્પેક્ટર પાસે પહોંચી ગઇ અને તેણે જણાવ્યું કે, તે પોતાના બોયફ્રેન્ડ સાથે ૧૩ વર્ષથી રિલેશનશિપમાં છે. બંનેના લગ્ન માટે પરિવારના સભ્યો તૈયાર નથી. તે પોલીસને જીદ કરીને કહેવા લાગી કે, સાહેબ! મને પરણાવી દો. આ વાત સાંભળી સબ ઇન્સ્પેટરને પહેલા તો ધ્રાસકો લાગી ગયો હતો. તે યુવતીને સમજાવીને ઘરે મોકલવા માગતા હતા, પરંતુ યુવતીએ પોલીસ સ્ટેશનમાં ધરણા કરવાની જીદ પકડી હતી. અંતે પોલીસે પંચાયત બોલાવી હતી અને પંચાયતે બંનેના લગ્ન કરાવવા તૈયારી બતાવી હતી.

આ બનાવની વધુ વિગતો મુજબ, પાકબાડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામની રહેવાસી આ યુવતીએ જણાવ્યું હતું કે, તે તેર વર્ષથી પડોશના સંભલ ગામના યુવકના પ્રેમમાં છે. તેણે પરિવારને લગ્ન માટે આજીજી કરી હતી પરંતુ પરિવારે યુવતીને ખૂબ ઠપકો આપ્યો હતો. જેથી ગુસ્સામાં યુવતી ઘરમાંથી ભાગીને પોલીસ સ્ટેશન પહોંચી હતી. ત્યારબાદ તેણે  સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે યુવતીના પરિવારને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. આ પછી યુવકના પરિવારજનોને પણ બોલાવવામાં આવ્યા હતા. યુવકના પરિવારજનો પોલીસ સ્ટેશન આવવાથી બહાના બનાવી રહ્યા હતા. પણ પોલીસે ટ્રાયલનો ડર બતાવ્યો તો યુવકના પરિવારજનો ફટાફટ પોલીસ સ્ટેશન આવી ગયા હતા. આ પછી બંને પક્ષો વચ્ચે પંચાયત થઈ હતી. પંચાયતે બંનેને લગ્ન માટે સંમતિ આપી હતી. યુવક દુબઈમાં નોકરી કરે છે. યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં જ દુબઈથી પુત્રને બોલાવીને તેના લગ્ન કરાવી દેશે. આ પછી યુવતી પોલીસ સ્ટેશનથી પોતાના ઘરે જવા તૈયાર થઇ ગઇ હતી. આ કિસ્સો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Related Posts