અમરેલી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અમરેલી જિલ્લાની મુલાકાતે– પ્રધાનમંત્રીશ્રીના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૨૮ ઓકટોબર, ૨૦૨૪ને સોમવારના રોજ અમરેલી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીશ્રી દ્વારા કેન્દ્ર અને રાજય સરકારના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાત રાજયને જળસંચય, રેલવે, રાષ્ટ્રીય ધોરી માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓની ભેટ મળશે.તા.૨૮ ઓકોટોબરે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે અંદાજે રુ.૪,૮૦૦ કરોડથી વધુના ખર્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ, ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧,૬૦૦ જેટલાં પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે.

અમરેલી જિલ્લામાં ગાગડીયો નદી પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ અન્વયે રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રુ.૩૫ કરોડના ખર્ચે ગાગડીયો નદી પુન:જીવિત કરવા અને નદી પર બનાવવામાં આવેલા ભારત માતા સરોવરના લોકાર્પણના કાર્યોનો પણ સમાવેશ છે.વોટરશેડ ખાતા હસ્તકના ૪.૫૦ કરોડ લીટર પાણીની સંગ્રહ શક્તિ ધરાવતા ચેકડેમને ઉંડો કરવાની કામગીરી ધોળકીયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. વધુમાં ચેકડેમની બંને બાજુએ માટીથી મજબૂતાઇ કરવામાં આવી છે, આથી ચેકડેમની પાણીની સંગ્રહ શક્તિમાં ૨૦ કરોડ લીટરનો વધારો થયો છે.

Related Posts