વનવિભાગના ગીર પશ્ચિમ ડિવિઝનના ચકચારી માંચડા કૌભાંડ મુદ્દે કોંગ્રેસના ત્રણ-ત્રણ ધારાસભ્યોએ આ સમગ્ર મુદ્દાને વિધાનસભામાં અગાઉ અને હાલમાં ઉજાગર કરી સરકારને ભીંસમાં લઈને તપાસ કરાવવાની ફરજ પાડી છે. જેમાં અગાઉની સરકારમાં મળેલ વિધાનસભાના સત્રમાં ભીલોડાના ધારાસભ્ય અશ્વિનભાઈ જાેષીયારાએ મુદ્દો ઉઠાવ્યો અને તેમાં સરકારે સ્વીકાર કર્યો કે માંચડાઓમાં ગેરરીતિ થઈ છે. ત્યારબાદ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ સમગ્ર મુદ્દે વિધાનસભામાં સરકારને સવાલો કર્યા અને તેમાં પણ સરકારે સ્વીકાર કર્યો હતો અને હવે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જાેશીએ સવાલો કરતા તપાસ પૂર્ણ થઇ ચૂકી છે અને પગલાં લેવાની કાર્યવાહી ચાલુ હોવાનો વનમંત્રીએ વિધાનસભામાં સ્વીકાર કર્યો છે.
વનવિભાગ દ્વારા ગીરની બોર્ડર પરના ખેડૂતોને ખેતી પાકના રક્ષણ માટે ખેડૂતો રાત્રિના સમયે જંગલી પ્રાણીઓના ડર વગર પોતાના ખેતરનું રક્ષણ કરી શકે તે માટે આપવામાં આવેલા માંચડાઓમાં ઓછો વજન ધાબડી કૌભાંડ કરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ આ સમગ્ર મુદ્દો વિધાનસભામાં ગૂંજયો અને સરકારે તપાસના આદેશ આપવા પડ્યા હતાં. પરંતુ તપાસ ચાલતી હોય જેથી ફરી એક વાર જૂનાગઢના ધારાસભ્યએ માંચડા કૌભાંડને વિધાનસભામાં ઉજાગર કર્યું છે. જૂનાગઢના કોંગી ધારાસભ્ય ભીખાભાઈ જાેશી દ્વારા બે દિવસના વિધાનસભાના સત્રમાં ગીર પશ્ચિમ ડિવિઝન હેઠળ ખેડૂતોને પાક રક્ષણ માટે આપવામાં આવેલ માંચડાની ગેરરીતિ બાબતે સરકાર વાકેફ છે કે કેમ તેવો સવાલ કર્યો હતો. તેના જવાબમાં વનમંત્રીએ સરકાર આ બાબતે વાકેફ હોવાનો સ્વીકાર કર્યો છે. ત્યાર બાદ ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો કે જાે સરકાર વાકેફ હોય તો જવાબદારો સામે શું પગલાં લેવામાં આવ્યાં છે? તેના જવાબમાં મંત્રીએ જણાવેલ કે સમગ્ર કામગીરીનું મોનિટરીંગ કાર્યવાહી પૂર્ણ થયેલ છે. મોનીટરીંગની કાર્યવાહી દરમિયાન બહાર આવેલ ક્ષતીઓ અને અનિયમિતતા બાબતે આગળની કાર્યવાહી થઈ રહી હોવાનો ખુદ વનમંત્રીએ વિધાનસભાગૃહમાં સ્વીકાર કર્યો છે.
ત્યારબાદ ધારાસભ્યએ વધુ એક પ્રશ્ન પૂછયો કે સમગ્ર ગેરરીતિ કેવી રીતે બહાર આવી ? તેના જવાબમાં મંત્રીએ જણાવેલ કે આ બાબતે કાર્યવાહી ચાલી રહી છે. સમગ્ર કૌભાંડમાં ૧૪૩ કિલો વજનને બદલે ઓછા વજનના માંચડા ધાબડી ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે માળીયા તાલુકાના જલંધર ગામના ખેડૂતોએ વનવિભાગના જવાબદારો અને કોન્ટ્રાક્ટર સામે પોલીસમાં અરજી પણ આપી છે. ગીર પશ્ચિમ ડિવિઝનની વિસાવદર, સાસણ, માળીયા, મેંદરડા સહીતની રેન્જમાં આ કૌભાંડ થયું હોય અને તેની તપાસ માટે ગાંધીનગરથી આઈએફએસ કક્ષાના અધિકારીઓની ટીમ પણ ગીરમાં તપાસ કરવા માટે દોડી આવી હતી અને હવે વિધાનસભામાં ખુદ વનમંત્રીએ સ્વીકાર કર્યો છે કે તપાસ પૂર્ણ થઈ ચૂકી છે તો હવે સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા સામે ક્યારેય પગલાં લેવાય તેના પર લોકો મીટ માંડીને બેઠા છે.
Recent Comments