રાષ્ટ્રીય

બંગાળ ચૂંટણીઃ આવતીકાલે રાજ્યના પાંચ જિલ્લાઓની ૪૪ વિધાનસભા બેઠકો માટે થશે મતદાન

પશ્ચિમ બંગાળમાં ૧૦ એપ્રિલે યોજાનાર ચોથા તબક્કાના મતદાન માટેના પ્રચારનો ગુરુવારે સાંજે પાંચ વાગ્યે અંત આવી ગયો હતો. ૧૦ એપ્રિલે રાજ્યના પાંચ જિલ્લાઓની ૪૪ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. ૧૦ એપ્રિલે યોજનાર ચૂંટણીમાં ૫૮,૮૨,૫૧૪ પુરુષો અને ૫૬,૯૮,૨૧૮ મહિલાઓ મતદાન કરશે. શનિવારે થનારી ચૂંટણીમાં કુલ ૩૭૩ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થઇ જશે.
જે પાંચ જિલ્લાઓમાં મતદાન થવાનું છે તેમાં હાવડા(ભાગ-૨), સાઉથ ૨૪ પરગણા(ભાગ-૩), હુગલી(ભાગ-૨), અલીપુરદાર અને કોચબેહરનો સમાવેશ થાય છે.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ૧૦ એપ્રિલે સવારે સાત વાગ્યાથી સાંજે ૬.૩૦ વાગ્યા સુધી ૧૫,૯૪૦ મતદાન મથકો પર મતદાન થશે. હાવડાની ૯, દક્ષિણ ૨૪ પરગણાની ૧૧, અલિપુરદારની પાંચ, કોચબેહરની ૯ અને હૂગલીની ૧૦ બેઠકોનો સમાવેશ થાય છે.

૧૦ એપ્રિલના રોજ જે મહાનુભાવોનું ભાવિ ઇવીએમમાં સીલ થવાનું છે તેમાં બંગાળના પૂર્વ રણજી કેપ્ટન અને તૃણમુલના શિબપુરના ઉમેદવાર મનોજ તિવારી, રાજ્ય શિક્ષણ પ્રધાન અને બેહાલા પશ્ચિમ બેઠકના વર્તમાન ધારાસભ્ય પાર્થ ચેટર્જી તથા ભાજપના કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોનું ભાવિ ઇવીએમમાં સીલ થશે. તેઓ રાજ્યના સ્પોટ્‌ર્સ પ્રધાન અનુપ બિસ્વાસ સામે ચૂંટણી લડી રહ્યાં છે.
આ દરમિયાન તૃણમુલના સાંસદ અભિષેક બેનર્જીએ આરોપ મૂક્યો છે કે ભાજપ પૈસાના જાેરે મત ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બેનર્જીએ લોકોને અપીલ કરી છે કે તેઓ ભાજપ દ્વારા વહેંચવામાં આવતા નાણાં ભલે લે પણ મત તો તૃણમુલને જ આપજાે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૫૦૦ રૃપિયાની ઓફર કરવામાં આવે તો ૫૦૦૦ રૃપિયા માંગજાે.

Related Posts