ગીર ગઢડામાં બુટલેગરો જાણે બેફામ બન્યા હોય અને જાણે પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય તેમ ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યાં છે. તેમાં એક ચોકવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં બૂટલેગરોએ દારૂ સંતાડવા સ્પેશિયલ એક ચોરખાનું બનાવ્યું. એ પણ જમીનની અંદર જ્યાં કોઈને ભાળ પણ ન થાય કે અહીંયા કોઈએ વસ્તું સંતાડી હશે. ત્યારે બેડીયા ગામની વાડીમાંથી વિદેશી દારૂની હેરફેરની માહિતી પોલીસને પ્રાપ્ત થઈ હતી.
જ્યાં પોલીસને બાતમી મળી હતી કે, તે સંતાડેલો દારૂની હેરાફેરી થવાની છે. તે પહેલા જ એલસીબીએ દરોડો પાડી ૧૫ લાખના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડયા. ગીરગઢડા તાલુકાના બેડીયા ગામની સીમમાં કુખ્યાત બુટલેગરે પોતાની વાડીમાં મોટી માત્રામાં વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઉતારીને હેરાફેરી કરવાની ફિરાકમાં હતો. જેની બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડીને રૂ.૧૫ લાખની કિંમતનો ૩૨૪ પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપરથી ઉનાના ઉમેજ અને સામતેર ગામના બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
આ દારૂનો જથ્થો દમણના શખ્સે મોકલેલો હતો. જે અમરેલીના સાવરકુંડલાના શખ્સને આપવાનો હોવાનું પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે. આ દારૂનો જથ્થો પોલીસની નજરથી છુપો રહે તે માટે બુટલેગરે ચતુરાઈપૂર્વક પોતાની વાડીમાં બની રહેલા નવા મકાનની બાજુમાં હજમ ખાડા જેવું નજરે પડતા અંદાજે ૬ બાય ૪ની સાઈઝના ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો જેને એલસીબીએ શોધી કાઢયો હતો. આ મામલે પોલીસે પકડાયેલા બંને બુટલેગરો ઉપરાંત દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર મળી કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments