બ્રહ્માસ્ત્રનો હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓનો ઉગ્ર વિરોધને જાેતા બોક્સ ઓફિસ કલેક્શન સફળ થશે કે નિષ્ફ્ળ?
સોશિયલ મીડિયા પર આ વર્ષની શરૂઆતથી જ ‘બોયકોટ બોલિવૂડ’ હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે અને વારાફરીથી એક પછી એક ફિલ્મનો ભોગ લેવાઈ રહ્યો છે. આ કારણે અનેક ફિલ્મ પ્રોડક્શન્સ હાઉસની સાથે મોટામાં મોટા સુપરસ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ છે. ઈન્ટરનેટ પર ફિલ્મ કલાકારોના જૂના સ્ટેટમેન્ટને વાયરલ કરીને તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમની ફિલ્મો ન જાેવાનું આહવાન કરવામાં આવી રહ્યું છે. આ ઘટનાની પાછળ લોકોનો ગુસ્સો છે, જેનું મૂળ કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ ધર્મના નામે કે બીજા કોઈ મુદ્દે ફિલ્મોને ઘેરીને તેમને ફ્લોપ કરાવવું આવા લોકોનું લક્ષ્ય બની ગયું છે. જેનું લેટેસ્ટ ઉદાહરણ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ છે.
આ ફિલ્મ માટે આમિરે રાત દિવસ એક કરીને પ્રમોશન કર્યું હતું પરંતુ ફિલ્મને હિટ કરવામાં આમિર સફળ થયા ન હતા. હવે, શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ને ઘેરવામાં આવી રહી છે. ફિલ્મના પોસ્ટર લોન્ચ, ટિઝર, સોન્ગ અને ટ્રેલર લોન્ચનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વિરોધ કર્યા બાદ, આ ફિલ્મને જાહેરમાં પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે. મધ્યપ્રદેશ સ્થિત વિશ્વ વિખ્યાત મહાકાલ મંદિરના દર્શન કરવા પહોંચેલા રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જીનો સ્થાનિક હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. રણબીર અને આલિયાના જૂના સ્ટેટમેન્ટને લઈને છેલ્લા કેટલાક સમયથી તેમની ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને, રણબીરે ભૂતકાળમાં ગૌમાંસને લઈને આપેલા તેના સ્ટેટમેન્ટના કારણે લોકો ગુસ્સામાં છે. ઉગ્ર વિરોધને જાેતા ફિલ્મના કલાકારોને દર્શન વગર જ પાછા ફરવાની ફરજ પડી હતી.
‘બોયકોટ બોલિવૂડ’ કેમ્પેઈન હવે, રસ્તાઓ પર પહોંચ્યું છે અને ટ્વીટર પર ‘બોયકોટ બ્રહ્માસ્ત્ર’ હેશટેગ સાથે એક લાખથી પણ વધુ પોસ્ટ કરવામાં આવી છે. આ ફિલ્મને લગભગ ૪૦૦ કરોડમાં બનાવવામાં આવી છે અને તેમાં સુપરસ્ટાર્સનો ઢગલો છે. ફિલ્મને નિષ્ફ્ળ થતી બચાવવા કરણ જાેહરે અગાઉથી જ ડેમેજ કંટ્રોલના પ્રયાસ શરુ કરી દીધા હતા પરંતુ તેના પ્રયાસો કામ નથી આવ્યા તે લોકોના ગુસ્સાથી સાબિત થઈ ચૂક્યું છે. ફિલ્મ પ્રોડક્શન હાઉસ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ ફિલ્મ જાેવા માટે એક લાખથી વધુ લોકોએ એડવાન્સ બુકીંગ કરાવ્યું છે પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલું કલેક્શન મેળવે છે તે તો સમય જ કહેશે.
Recent Comments