ભચાઉના આમરડી અને રાપરમાં આરોગ્ય કેન્દ્રનું ઈલોકાર્પણ કરાયું
સરકાર અને આરોગ્યના નિયમોનું પાલન કરવું એ આપણા સૌની જવાબદારી છે તેમ વહીવટી તંત્ર દ્વારા સુશાસન સપ્તાહ નિમિત્તે ભુજમાં ઉજવાયેલા જિલ્લા કક્ષાના આરોગ્ય દિવસની ઉજવણી પ્રસંગે જણાવાયું હતું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે સરકાર નાગરિકોને વિવિધ યોજનાઓ અંતર્ગત બહોળો લાભ આપી રહી છે. તેમના હસ્તે ૮૬ લાખના ખર્ચે નિર્માણ થયેલા આમરડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૧૮.૫૦ લાખના ખર્ચે નિર્મિત રાપર તાલુકાના વલ્લભનગરના પેટા આરોગ્ય કેન્દ્રનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળાવીરા અને મેટરનીટી કોમ્પલેક્ષ ધોળાવીરા તેમજ રતનપર, વડવાકાયા, નખત્રાણા-૪, ડુમરા-૨, ગઢશીશા-૩, કિડીયાનગર-૩, માનકુવા-૨, કુકમા-૨ ના કામોનું પણ ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આરોગ્ય, જળસંગ્રહ, શહેરી વિકાસ, સરહદી સુરક્ષા જેવા અનેક વિકાસ કામો સરકાર કરી રહી છે તેમ જણાવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢકે કહ્યું હતું કે, ભુજ, અંજાર, માંડવી અને ગાંધીધામ ખાતે કુલ ૩૫ શહેરી વિસ્તારમાં દીનદયાળ ઔષધાલય કાર્યરત થશે તેમજ દયાપર, નખત્રાણા, નલીયા, ભુજ, ભચાઉ, મુન્દ્ર, માંડવી મધ્યે મોબાઇલ મેડિકલ યુનિટ તાલુકા મથકે પ્રારંભ થશે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નરે કોવિડ રસીકરણ અંગે વિગતો આપી હતી. મંચસ્થોના હસ્તે માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અને શહેરી વિસ્તાર માટે અર્બન હેલ્થ સેન્ટર ભુજ-૧ને કાયાકલ્પ સ્વચ્છતા એવોર્ડ અપાયો હતો.
Recent Comments