ભરૂચના પાલેજમાંથી ૩ લાખના ગાંજા સાથે ૨ આરોપીને પક્ડાયા
ભરૂચ એસઓજીએ પાલેજમાંથી નશાયુકત માદક પદાર્થ ગાંજાનો વિપુલ જથ્થો ૩૦ કિલોગ્રામથી વધારે કિંમત રૂ. ૩.૦૬ લાખ સાથે બે યુવાનોને ઝડપી પાડ્યા છે. ભરૂચ એસ.ઓ.જી. જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે, નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા વોચમાં હતી. એસઓજી પીઆઈ કે.ડી.મંડોરાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા પીએસઆઈ પી.એમ.વાળા, એન.જે.ટાપરીયા એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇને તેમના બાતમીદારથી મળેલી બાતમી આધારે એસ.ઓ.જી ટીમ દ્વારા હોટલ સીટી પોઇન્ટની બાજુના રોડ ઉપર જહાંગીર પાર્ક સોસાયટી ખાતે તપાસ હાથ ધરાઈ હતી.
જેમાં એક ઑટો રીક્ષા નં. જીજે – ૦૧ – ટીબી – ૦૩૯૬માં ૨ યુવાનો આવતાં તેમને કોર્ડન કરી રોકી રીક્ષાની ઝડતી લેવાઈ હતી. તેમાં તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ગાંજાનો ૩૦ કીલો ૬૫૦ ગ્રામ જથ્થો જેની કિંમત રૂ. ૩.૦૬ લાખ તથા બંન્નેની અંગઝડતીમાં ૨ મોબાઇલ, રીક્ષા મળી કુલ રૂ. ૪ લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. ગાંજા સાથે પકડાયેલા અસીમ ઐયુબ સિંધી અને ભરત શંકર માછીની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નાવેદખાન નાશીરખાન પઠાણને વોન્ટેડ જાહેર કરાયો હતો. પાલેજ પોલીસ મથકે ગુનો દાખલ કરાવી વધુ તપાસ એસઓજી પી.આઈ. ચલાવી રહ્યા છે.
Recent Comments