fbpx
ભાવનગર

ભાવનગરના કાળુભાઈ જાંબુચાએ પોતાના જન્મદિવસે ૧ હજાર વિધવા બહેનોને સાડીનું વિતરણ કર્યું

સમાજમાં લોકો પોતાનો જન્મદિવસ અલગ-અલગ રીતે અને પોતાને તથા પોતાના પરિવારને આનંદ આવે તે રીતે

વૈયક્તિક રીતે ઉજવતાં હોય છે.પરંતુ સમાજમાં કેટલાક એવાં લોકો પણ હોય છે જેઓને બીજાના આનંદમાં પોતાનો આનંદ દેખાય છે. અન્યોના આનંદમાં તેઓ પોતાનો આનંદ શોધે છે.

પારકાની પીડા પોતાની હોય તેમ સમજીને તેઓ પરપીડાને દૂર કરવાં માટે બનતા અથાગ પ્રયત્નો કરતાં હોય છે. આવાં જ એક સદાવ્રતી અને સેવાભાવી વ્યક્તિ છે ભાવનગરના કાળુભાઈ જાંબુચા…

આમ, તો તેઓ કોળી સેના, ભાવનગરના શહેર પ્રમુખ છે અને તેના સાથે તેઓ સમાજ ઉત્થાનના અનેક કાર્યોમાં તન-મન-ધનથી જોડાયેલાં છે.

સંત કબીર કહી ગયા છે કે, “તન ઉજળા, મન મેલાં, બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા, જેને તન -મન એક જ રંગ”…. કહેવાનું તાત્પર્ય એ છે કે સમાજમાં ભલા હોવાનો દેખાડો કરવા વાળા ઘણાં બધાં હોય છે, પરંતુ વાસ્તવમાં સેવા કરવાવાળા ઘણાં બધાં ઓછા હોય છે. તેમાંના એક કાળુભાઈ છે.

કાળુભાઈ કહે છે કે, ગયાં વર્ષે જ તેમણે નિર્ધાર કર્યો હતો કે, સમાજની વિધવા બહેનોને કોઈક રીતે મદદરૂપ થવા માટે કંઈક કરવું….પરંતુ કોરોનાના હિસાબે ગત વર્ષે બહાર ન નીકળી શકવાને કારણે તે આયોજન પડતું મુક્યું હતું. પરંતુ હવે જ્યારે કોરોનાની અસર ઓછી થઈ છે. આ વર્ષના જન્મદિવસે ૫૦૦ વિધવા બહેનોને સાડી આપવાનું નક્કી કર્યું હતું.

 આ માટેના ફોર્મ પહોંચતા જ ૫૦૦ કરતાં વધુ બહેનોના ફોર્મ ભરીને પરત આવ્યા હતાં. તે ધ્યાનમાં રાખીને મેં ૫૦૦ સાડીને બદલે ૧૦૦૦ સાડી વિતરિત કરવાનું નક્કી કર્યું છે.

તેઓ કહે છે કે આ સાડી એ વસ્ત્ર માત્ર નથી, પરંતુ આ વિધવા મહિલાઓ માટે સન્માન પણ છે. સમાજની ઘણી વિધવા બહેનો ઘણી બધી તકલીફમાં જીવે છે તેમને એક રીતે મદદરૂપ થવાનો આ સ્તુત્ય પ્રયાસ છે.

રાજ્ય સરકાર દ્વારા ગંગાસ્વરૂપા યોજના અને બીજી અનેક મહિલાલક્ષી યોજનાઓ દ્વારા સમાજની આવી જરૂરિયાત મહિલાઓને વિવિધ પ્રકારે લાભ મળે જ છે. પરંતુ સમાજના એક  અદના ભાગ તરીકે મારી પોતાની જવાબદારી બને છે કે હું આ વિધવા બહેનોને મદદ કરું. આ વિચારમાંથી મેં સાડી વિતરણ કરવાનું નક્કી કર્યું છે અને મારા આ નિર્ણયમાં મારા ઘરના સભ્યોએ પણ મારો સપોર્ટ કર્યો છે.

આ ઉપરાંત અત્યારે સૌરાષ્ટ્રમાં લોકપ્રિય એવા સાતમ-આઠમના તહેવારો પણ આવી રહ્યાં છે. ત્યારે આ બહેનો આ નવલા તહેવારોમાં તેને પહેરી શકે તેને ધ્યાનમાં રાખીને પણ સાડી વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો.

સાડી મેળવનાર બહેનોએ પણ તેમના આ કાર્યની સરાહના કરી હતી અને જણાવ્યું હતું કે, કોરોના કાળમાં પણ કાળુભાઈએ સમાજની અનેક રીતે સેવા કરી છે. ભગવાન તમને દીર્ઘાયુષ્ય આપે તેવી જન્મદિવસની શુભકામનાઓ પણ તેમણે પાઠવી હતી. કાળુભાઈ દ્વારા સાડી વિતરણના આ સન્માન કાર્યક્રમને દિપાવવા માટે  કોળી સેવા સમાજના રાજ્ય પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યાં હતાં

Follow Me:

Related Posts