ભાવનગર

ભાવનગરના મહુવા અને તળાજા ખાતે તાઉ’ તે વાવાઝોડાને પગલે થયેલ નુકસાન તથા પુનઃસ્થાપનની સર્વગ્રાહી સમીક્ષા કરતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

શિક્ષણ મંત્રીશ્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીએ જિલ્લાના પ્રવાસના બીજા દિવસે આજે મહુવા અને તળાજા પ્રાંત કચેરી ખાતે જિલ્લામાં તાઉ’ તે વાવાઝોડાને કારણે થયેલ નુકસાન તથા પુનઃસ્થાપન અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

ભાવનગર જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા તાઉ’ તે વાવાઝોડા વખતે રાજ્ય સરકારની અગાઉથી સતર્કતા તથા વાવાઝોડા બાદ તંત્ર સાથે લોકોની સહભાગીદારી અને સક્રિયતાથી થયેલ કામગીરીને કારણે ભાવનગર જિલ્લામાં ઘણું ઓછું નુકસાન થયું છે.

મંત્રીશ્રીએ જણાવ્યું કે, સામાન્ય રીતે આવી ઝડપથી ફૂંકાતાં પવનને કારણે અકલ્પનીય નુકશાન થતું હોય છે. પરંતુ સાવચેતીના પગલાને કારણે આપણે તેમાથી સાંગોપાંગ બહાર આવી ગયાં છીએ. જિલ્લામાં થયેલાં નુકશાન અંગે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે તે મુજબની ચૂકવરણી કરી દેવામાં આવી છે. હાલમાં બાગાયતી પાકોને થયેલાં નુકશાન અંગેનો સર્વે ચાલે છે અને તેની પણ ઝડપથી ચૂકવણી કરી દેવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા ખેતીમાં નુકસાન માટે પ્રતિ હેક્ટર રૂપિયા ૧ લાખ જેવી ઉદારતમ સહાય જાહેર કરી છે. ભાવનગર મોટા પ્રમાણમાં બાગાયતી ખેતી કરતો જિલ્લો છે ત્યારે તેનો મોટો લાભ જિલ્લાના ખેડૂતોને મળવાનો છે.

મંત્રીશ્રી કાચા ઝુંપડા-મકાન, વીજ પુરવઠો, પાણી પુરવઠો, ખેતી, પશુપાલન વગેરે અંગેની ઝીણામાં ઝીણી વિગતો મેળવી દરેક ગામમાં વીજ પુરવઠો, પાણી પુરવઠો ઝડપથી પૂર્વવત કરવા માટેનું માર્ગદર્શન આપ્યું હતું.

મંત્રીશ્રીએ વાવાઝોડામાં ભાવનગર જિલ્લામાં અસરકારક કામગીરી કરી છે તે માટે ઉપસ્થિત અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.

મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે કોરોના સાથે તાઉ’ તે વાવાઝોડાનો સામનો કર્યો છે. આમ, બંને મહામારી વચ્ચે રાજ્ય સરકારે ઝડપથી કાર્ય કર્યું છે. જેથી રાજ્યમાં જનજીવન ફરીથી ધબકતું થયું છે.

મંત્રીશ્રીએ તળાજા ખાતે સમીક્ષા બેઠક યોજ્યા બાદ તળાજા તાલુકાના ખંઢેરા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે જઇ જરૂરિયાતમંદ ૬૦ જેટલાં પરિવારોને કિટનું વિતરણ ક્રયું હતું. તેમણે આ અવસરે શાળામાં વૃક્ષારોપણ કર્યું હતું.

તેમણે જણાવ્યું કે, વૃક્ષો તો ધરતીની શોભા છે. વાવાઝોડાથી જિલ્લામાં મોટાપાયા પર વૃક્ષોને નુકશાન થયું છે પરંતુ આપણે ફરીથી તેને વાવીને ધરતીને નવપલ્લવીત કરીશું. કુદરતની પરીક્ષામાં પાસ થવા મહેનત એ રસ્તો છે. આપણી રાત- દિવસની મહેનતથી બધુ પૂર્વવત કરવાં માટે લાગેલાં છીએ અને ધીમે- ધીમે બધું પૂર્વવત થઇ રહ્યું છે.ે

આ સમીક્ષા બેઠકમાં મહુવાના ધારાસભ્યશ્રી આર.સી.મકવાણા, ગારીયાધારના ધારાસભ્યશ્રી કેશુભાઈ નાકારણી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પ.ના પ્રમુખશ્રી મુકેશભાઈ લંગાળિયા, લોક સાહિત્યકારશ્રી માયાભાઈ આહીર, મહુવા અને તળાજાના પ્રાંત અધિકારીશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તાલુકાના વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તથા જિલ્લા- તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં

Related Posts