ભાવનગર ખાતે ‘સખી મેળો’ તેમ જ ‘વંદે ગુજરાત વિકાસ પ્રદર્શન’ નું ઉદઘાટન કરતાં સાંસદ ડો. ભારતીબેન શિયાળ
ભાવનગરના સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળે આજે મોડી સાંજે જવાહર મેદાન ખાતે ‘સખી મેળો’ તેમજ ‘વંદે ગુજરાત વિકાસ પ્રદર્શન’ નું ઉદઘાટન કરી શુભારંભ કરાવ્યો હતો.
તેમણે કહ્યું કે, ભારતની નારી શક્તિ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી આત્મનિર્ભર બનવાની દિશામાં અગ્રેસર બને.ભારતની માતૃશક્તિ માં શક્તિઓ પડી છે. તેને પોતાના હુન્નર અને કલા દ્વારા આગળ લઈ જવાની જરૂર છે. વિશ્વ જ્યારે આગળ વધી રહ્યું છે. ત્યારે ટેકનોલોજીના સાથ અને સહકારથી પોતે બનાવેલી પ્રોડક્ટમાં નાવિન્ય લાવીને મહિલાઓ દ્વારા નિર્મિત ચીજવસ્તુઓને વૈશ્વિક બજાર સુધી લઈ જવાં તેમણે આહવાન કર્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોનાકાળમાં ભારતને આત્મનિર્ભર બનાવવાના કરેલાં આહ્વાનને ભારતની ૫૦ ટકા વસતી ધરાવતી મહિલાઓ વધુ આગળ લઈ જવાનું સામર્થ્ય ધરાવે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આજે યોજાયેલાં પ્રદર્શન સહ વેચાણના માધ્યમથી તેઓ પોતાના દ્વારા બનાવેલી ચીજવસ્તુઓને પ્રદર્શિત કરી શકશે. તેનાથી તેઓ પોતે તો સ્વ-રોજગારી મેળવશે જ સાથે અન્ય મહિલાઓને પણ રોજગારી મળશે. આ સખી મેળાઓ દ્વારા રાજ્ય સરકારે મહિલાઓને એક મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા ૨.૫ લાખ સ્વ-સહાય જૂથોને આર્થિક સહાય કરવામાં આવી છે. દેશમાં ૧૧ કરોડ શૌચાલય બનાવી તેની આબરૂ, ઈજ્જતનું સન્માન કરવામાં આવ્યું છે. દેશની ૯ કરોડ મહિલાઓને ઉજ્જવલા યોજના દ્વારા ગેસની બોટલ આપીને ચૂલો ફૂકવામાંથી મુક્તિ અપાવી છે. સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મુદ્રા યોજના દ્વારા નારીશક્તિ વધુ આગળ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યાં છે તેની વિગતો તેમણે આપી હતી.
નારી શક્તિનું આર્થિક રીતે સક્ષમ બનતાં તેની સુરક્ષા અને સલામતીમાં વૃદ્ધિ થઇ છે તેમ પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
કલેકટરશ્રી યોગેશ નિરગુડેએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે સખી મેળામાં ૭૫ સખીમંડળના સ્ટોલ લગાવવામાં આવ્યાં છે. આ સખીમંડળના સ્ટોલમાં બહેનો દ્વારા બનાવેલી એક થી એક સુંદર વસ્તુઓ વેચાણ માટે મૂકવામાં આવી છે તેનો શહેરીજનોએ મહત્તમ લાભ લેવો જોઈએ.
આવાં મેળા દ્વારા સખી મંડળે બનાવેલી વસ્તુઓ માટે એક પ્લેટફોર્મ મળે છે. આગામી સમયમાં આ સખી મંડળની બહેનોએ બનાવેલી વસ્તુઓ ઓનલાઇન પણ વેચાય અને તેને વૈશ્વિક બજાર મળે તે માટેના પણ સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
કલેકટરશ્રીએ સરકારી યોજનાઓનો લાભ લઇ સખી મંડળની બહેનો તેમનું જીવન ઉન્નત બનાવે તે માટેની શુભકામનાઓ પણ પાઠવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવાએ સખી મંડળની બહેનો તેમની પ્રતિભા અને કુશળતાનો ઉપયોગ કરીને વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે આ મેળા ઉક્તયુક્ત બન્યાં છે તેમ જણાવ્યું હતું.
‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો વિશ્વાસ ૨૦ વર્ષનો વિકાસ’ અંગેનું પ્રદર્શન પણ આ મેળામાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જેને લોકોએ રસપૂર્વક નિહાળ્યું હતું.
આ અવસરે વિવિધ સખી મંડળની બહેનોને રૂા.૧ લાખ સુધીના ધિરાણ સહાયના ચેક પણ આપવામાં આવ્યાં હતાં
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ પણ આ અવસરે રજૂ કરવામાં આવી હતી.
સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ અને મહાનુભાવોએ દરેક સખીમંડળના સ્ટોલની મુલાકાત લઇ તેમની કલા કારીગરીની ચીજવસ્તુઓ વિશેની જાણકારી મેળવી મહિલા શક્તિને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખશ્રી ડો. રાજીવભાઇ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી તુષાર જોશી, પ્રાંત અધિકારીશ્રી ઝણકાત, ડો. ધીરુભાઈ શિયાળ, ભૂપતભાઈ બારૈયા, સ્થાનિક નગરસેવકો, સખી મંડળની બહેનો તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments