ગુજરાત

મહેમદાવાદના ખાત્રજ સીમ વિસ્તારમાં બે મિત્રોને અકસ્માત નડતા બંનેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું

ખેડા જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી. મહુધા પંથક બાદ મહેમદાવાદના ખાત્રજ સીમ વિસ્તારમાં મોટરસાયકલ લઈને નીકળેલા બે મિત્રોને અકસ્માત નડતા આ બંનેનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નિપજ્યું છે. મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. મહેમદાવાદ તાલુકાના માકવા ગામે રહેતા ૩૧ વર્ષીય વિજયભાઈ ગોવિંદભાઈ હરીજન પોતે છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ગામમા રહેતા તેમના મિત્ર ભરતભાઈ નવઘણભાઈ ભોઈએ વિજયભાઈનુ મોટર સાયકલ નંબર (જીજે ૦૭ સીએમ ૨૫૦૨) લઈને સાંજના પોતાના મિત્ર ભાવેશભાઈ બાબુભાઈ તળપદાને બેસાડી મહેમદાવાદના ખાત્રજ સીમ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા.

કોઈ અજાણ્યા વાહને ઉપરોક્ત મોટરસાયકલને જાેરદાર ટક્કર મારી હતી. આ ટક્કર વાગતા મોટરસાયકલ પર સવાર ભરતભાઈ ભોઈ અને ભાવેશભાઈ તળપદા બંને ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતા. જેના કારણે શરીરે બંનેને ગંભીર ઇજાઓ થતા સ્થળ પર મોત નીપજયું હતું. મહેમદાવાદ પોલીસે વિજયભાઈ હરિજનની ફરિયાદના આધારે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી અજાણ્યા વાહનચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

Related Posts