મારા કારણે સલમાન ખાન-સંગીતા બિજલાણીના લગ્ન અટક્યા હતા : સોમી અલી
ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી વધુ ચર્ચાસ્પદ વિષયોમાં સલમાન ખાનના લગ્નનો સમાવેશ થાય છે. સલમાન ખાન પોતે પણ લગ્નના વિષયને હસવામાં ખપાવી દેવા પ્રયાસ કરે છે. જાે કે સલમાનના લગ્ન હકીકતમાં સાકાર થવાના હતા. સલમાનની પૂર્વ ગર્લફ્રેન્ડ સોમી અલીએ કરેલા દાવા મુજબ, સલમાન ખાન અને સંગીતા બિજલાણીના લગ્નની કંકોતરીઓ છપાઈ ગઈ હતી, પરંતુ કંકોતરીઓ વહેંચાય તે પહેલાં લગ્ન અટકી ગયા હતા. જેનું કારણ સોમી અલી જ હતી. સલમાન ખાનને બોલિવૂડની સંખ્યાબંધ એક્ટ્રેસ સાથે અફેર હોવાનું કહેવાય છે. સલમાનના રોમેન્ટિક રિલેશન્સમાં સંગીતા બિજલાણી અંગેની ચર્ચા સૌથી વધારે હતી. સલમાન અને સંગીતાના લગ્નની તૈયારીઓ આખરી તબક્કામાં હતી, પણ છેલ્લી ઘડીએ આ લગ્ન રદ થયા હતા.
તાજેતરમાં સોમી અલીએ આ લગ્ન રદ થવા માટેના કારણનો ખુલાસો કર્યો છે. સોમી અલીએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યુ હતું કે, લગ્નની કંકોતરીઓ છપાઈ ગઈ હતી. કંકોતરીઓ વહેંચવાની તૈયારી ચાલતી હતી. દરમિયાન સંગીતા બિજલાણી સોમી અલીના એપાર્ટમેન્ટ પર પહોંચી હતી, જ્યાં તેમણે સલમાન-સોમીને રંગેહાથ પકડ્યા હતા. સલમાને સંગીતા સાથે જે કર્યું, તે મારી સાથે પણ થયું હતું. આને કર્મનું ફળ કહે છે. હું થોડી સમજણી થઈ ત્યારે મને આ બાબત સમજાઈ હતી. સોમીએ ભારત આવવાના ઈરાદા અંગે વાત કરતાં કહ્યું હતું કે, તેને સલમાન ખૂબ પસંદ હતો અને સલમાન સાથે લગ્ન કરવાના ઈરાદે જ તે ભારત આવી હતી. પોતાનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવાના બહાને સલમાન હિંસક અને અત્યાચારી થઈ જતો હતો. બાદમાં પસ્તાવાની લાગણી થતી હતી. સોમીએ સલમાનની ખાસિયત અંગે વાત કરતાં બાળકો પ્રત્યેના તેના પ્રેમના વખાણ કર્યા હતા. પોતે સલમાનના ઘરે બે વર્ષ રહી હોવાનું સોમીએ કહ્યું હતું. સોમી અલી હાલ યુનાઈટેડ સ્ટેટ્સમાં રહે છે અને મહિલાઓ પર અત્યાચાર રોકવા સ્વૈચ્છિક સંસ્થા ચલાવે છે.
Recent Comments