fbpx
રાષ્ટ્રીય

મુંબઈમાં હવે ઍમ્બ્યુલન્સની અછતઃ પાલિકા પાસે ફકત ૪૪૭ ઍમ્બ્યુલન્સ

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, પરિણામે વેન્ટિલેટર્સ અને આઇસીયુ બેડની અછત સર્જાઇ છે ત્યારે બીજી બાજુ ઍમ્બ્યુલન્સ પણ હવે ઓછી પડી રહી છે. પાલિકા પાસે ફકત ૪૪૭ ઍમ્બ્યુલન્સ જ ઉપલબ્ધ હોવાથી દિવસે દિવસે વધી રહેલી કોરોનાના દર્દીની સંખ્યાને જાેતા તે ઓછી પડી રહી છે. મુંબઈમાં પરિસ્થિતિ એટલી બધી ગંભીર બની રહી છે કે દર્દીને ઍમ્બ્યુલન્સ માટે પણ લાંબી પ્રતિક્ષા કરવી પડી રહી છે. મુંબઈમાં ગયા વર્ષે માર્ચ મહિનામાં કોરોનાનો પહેલો દર્દી મળી આવ્યા બાદ ઝડપથી કોરોનાના દર્દીમાં વધારો થવા લાગ્યો હતો. કોરોનાના દર્દીને ધ્યાનમાં લેતા તેમની સારવાર માટે પાલિકાએ હૉસ્પિટલ્સ અને કોવિડ કેર સેન્ટર સજ્જ રાખ્યા હતા. એ સમયે પણ દર્દીને લઇ જવા માટે ઍમ્યુલન્સની તીવ્ર અછત નિર્માણ થઇ હતી. અંતે પાલિકાએ બેસ્ટ અને ખાનગી બસોને તાબામાં લઇને તેનું રૂપાંતર ઍમ્બ્યુલન્સમાં કર્યું હતું. આશરે ૬૭૫થી વધુ ઍમ્બ્યુલન્સને કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ધીમે ધીમે કોરોનાના દર્દીની સંખ્યામાં ઘટાડો થવા લાગતા તબક્કાવાર રીતે ઍમ્બ્યુલન્સની સંખ્યા પણ ઘટાડી દેવામાં આવી હતી.

દરમિયાન ફેબ્રુઆરી મહિનાથી ફરી એકવાર મુંબઈમાં બમણી કોરોનાનો ચેપ ફેલાવાની શરૂઆત થઇ છે. મુંબઈમાં દરરોજ દસ હજારની આસપાસ કોરોનાના દર્દીઓ નોંધાઇ રહ્યા છે. આ પૈકી મોટાભાગના લોકો હોમ કવોરન્ટાઇનમાં જ રાખવામાં આવે છે, પણ તેમ છતાં આશરે એક હજાર જેટલા દર્દીને ઇન્સ્ટિટ્યૂશનલ કવોરન્ટાઇન સેન્ટર અને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે છે. એક દર્દીને હૉસ્પિટલ અને કોરોના સેન્ટરમાં લઇ જવામાં આવ્યા બાદ ઍમ્બ્યુલન્સને સેનિટાઇઝ કરવી પડે છે અને ત્યારબાદ જ તેને ફરી ઉપયોગમાં લેવાય છે. દિવસેને દિવસે વધી રહેલી કોરોનાના દર્દીની સંખ્યાને કારણે ઍમ્બ્યુલન્સની અછત વર્તાઇ રહી છે અને દર્દીને તે માટે રાહ જાેવી પડી રહી છે.

ટ્રાફિક વિભાગે કોરોનાના દર્દીઓની સેવા માટે નાની બસગાડી, ઇનોવા વગેરે જેવા ૩૨૩ વાહનનું ઍમ્બ્યુલન્સમાં રૂપાંતર કરીને તેને પાલિકાને સોંપી છે. આ સિવાય ૧૦૮ નંબરની ૪૨, પાલિકાની ૪૮, બેસ્ટ બસ ૩૧, એમએસઆરટીસીની ત્રણ બસ એમ કુલ ૪૪૭ ઍમ્બ્યુલન્સ હાલમાં દોડી રહી છે. પાલિકા પાસે એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ફકત ૨૯૧ ઍમ્બ્યુલન્સ હતી. દર્દીની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને ૧૦મી એપ્રિલના રોજ ૧૫૬ ઍમ્બ્યુલન્સ વધારવામાં આવી. કોરોનાને કારણે મૃત્યુ પામેલા દર્દીના પાર્થિવ દેહને સ્મશાનભૂમિમાં લઇ જવા માટે ૨૦ શબવાહિનીઓ વધારવામાં આવી છે.

Follow Me:

Related Posts