ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ ધારાસભ્ય ડો.જાેષીયારાના પરિવારજનોને સાંત્વના આપી

છેલ્લી પાંચ ટર્મથી ચૂંટાતા કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જાેષિયારાનું ૧૪ માર્ચે કોરોનાથી ચેન્નઈમાં અવસાન થયું હતું, જેથી વિધાનસભાની કાર્યવાહી રોકી દેવામાં આવી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપીને વિધાનસભા ગૃહ મોકૂફ રખાયું હતું.

ત્યાર બાદ આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ.ડૉ. અનિલ જાેષીયારાના પાર્થિવ દેહ પર પૂષ્પાંજલિ અર્પણ કરી સદ્દગતને અંતિમ વિદાય આપી હતી. મુખ્યમંત્રી ભિલોડા પહોંચી ડૉ. અનિલ જાેષીયારાના શોકસંતપ્ત પરિવારજનોને ભિલોડામાં રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી. મુખ્યમંત્રી સાથે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુબેર ડીંડોર, વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ ભાઇ રાઠવા તથા ધારાસભ્યો રાજેન્દ્રસિંહ,પૂંજા વંશ, જશુ પટેલ, અશ્વિન કોટવાલ અને અન્ય અગ્રણીઓએ પણ સદ્દગતના નશ્વર દેહને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ડૉ.જાેષીયારાના અવસાનથી વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૧૭૯ થઈ ગઈ છે. ડો. અનિલ જાેષીયારાનો જન્મ ૨૪ એપ્રિલ, ૧૯૫૨ના રોજ તેમના વતન ભિલોડા તાલુકાના ચુનાખાણ ખાતે થયો હતો. તેઓ જનરલ સર્જન હતા. તેમના પાર્થિવ દેહને ચેન્નઈથી હવાઈ માર્ગે અમદાવાદ લાવી વતન ચુનાખાણ લઈ જવામાં આવ્યો હતો.

Related Posts