પ્રધાનમંત્રીના આગમન પૂર્વે રાજકોટ શહેરમાંથી મોટી માત્રામાં જીલેટીન સ્ટિક, બ્લાસ્ટિંગ કેપ તથા બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જાે કે આખી રાત દરમિયાન તપાસ કરતા આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ પોલીસને જીલેટીન સ્ટિકનો મોટો જથ્થો મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ બીજી તરફ આ જથ્થો ચોરી થયેલ છે કે અન્ય તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લાપાસરી ગામ ખાતે રાજહંસ નામની સ્ટોન કટિંગ કંપનીમાંથી જીલેટીન સ્ટિક, બ્લાસ્ટિંગ કેપ અને બ્લાસ્ટિંગ માટે વપરાતા વાયરની ચોરી થયાની ઘટના સામે આવી હતી.
રાજહંસ કંપનીના માલિક એભલભાઇ જલુએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે મારી કંપનીના રૂમમાંથી તાળું તોડી કોઈ અજાણ્યો શખસ એક્સ્પોઝિવ (ટોટા)ની સાત પેટી કુલ (૧૪૦૦થી વધુ સ્ટિક) કિંમત રૂપિયા ૨૧,૦૦૦ તથા બ્લાસ્ટિંગ કેપ ૨૫૦ નંગ અને બ્લાસ્ટિંગ માટેના ૧૫૦૦ મીટર વાયર મળી કુલ ૪૦,૫૦૦ ના મુદ્દામાલની ચોરી થઈ છે. પોલીસે આઈપીસી કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ૬ ઓક્ટોબરના રોજ રાત્રિના સમયે શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાપાસરી ગામે રાજહંસ કંપનીમાંથી જીલેટીન સ્ટિકની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાઈ હતી.
જાે કે, બે દિવસથી ચોરી કરી ચોર નાસી ગયો હોવાથી તેની શોધમાં રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સહિત શહેરભરની પોલીસ તપાસમાં લાગી ગઈ છે અને શહેરભરની પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. જાે કે, રાત્રિ તપાસ દરમિયાન આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જ મોટી માત્રામાં જીલેટીન સ્ટીકનો જથ્થો મળી આવતા આ જથ્થો ચોરી થયેલ હતો તે જ છે કે કેમ? જ્યાંથી મળ્યો તે જગ્યા પર કોણ આ જથ્થો મૂકી ગયું? ચોરી થયાના સીસીટીવી ફૂટેજ પરથી કોઇ મહત્વની કડીઓ મળી રહી છે કે કેમ તે તમામ દિશા તરફ પોલીસે તપાસ હાથ ધરી છે. બે દિવસ પ્રધાનમંત્રીના સૌરાષ્ટ્રમાં આગમન પૂર્વે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં જીલેટીન સ્ટિકની ચોરીની ઘટનાથી રાજકોટ શહેરભરની પોલીસ દોડતી થઇ હતી અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.
પોલીસની સાથે એટીએસની ટીમો પણ તપાસમાં જાેડાઇ હતી અને ચોરને પકડવામાં પ્રયત્ન કરી રહી છે. રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થવાનું છે ત્યારે જ જિલેટિન સ્ટિકના મોટા જથ્થાની ચોરીને પોલીસે ગંભીરતાથી લીધી હતી અને પોલીસે ભરડિયાના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી, જેમાંથી પોલીસે એક શકમંદને બેસાડી દીધો હતો અને બે કર્મચારીઓ રહસ્યમય સંજાેગોમાં નોકરી સ્થળ પરથી જતા રહેતા તેના પર પોલીસે તપાસ કેન્દ્રિત કરી હતી.


















Recent Comments