મોરબીમાં મોબાઈલ ચોરી ઓનલાઈન લાખો ટ્રાન્સફર કરનાર આરોપીઓ ઝડપાયા
મોરબી તાલુકા વિસ્તારના કારખાનામાં શ્રમિક ઓરડીમાંથી મોબાઈલ ચોરી કરી ઓનલાઈન રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ એલસીબી ટીમ ચલાવી રહી હતી. જેમાં બે આરોપીને ચોરીના મોબાઈલ, રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. મોરબીના શીવીસ માઈક્રોન એલએલપી કારખાનાની મજુર ઓરડીમાં મૂળ રાજસ્થાનનો વતની જાેગારામ રામલાલ ચૌધરી સુતા હતા. ત્યારે અજાણ્યા શખ્સે પ્રવેશ કરી મોબાઈલ નંગ ૦૪ અને રોકડ રૂ.૨૨૦૦ની ચોરી કરી હતી. તેમજ મોબાઈલ ફોનમાં બેંક એકાઉન્ટ લીંક હોય, જેથી એપ્લીકેશન મારફત રૂ.૨.૫૯ લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. આમ કુલ રૂ.૨,૮૨,૧૬૯ની મત્તા ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
જે બનાવ મામલે વધુ તપાસ એલસીબીની ટીમે ચલાવી હતી. જેમાં એલસીબી ટીમને બાતમી મળી હતી કે, આરોપી ઈબ્રાહીમ મામદ ઈબ્રાહીમ બેતારા અને અલારખા કરીમ આદમ મોખા એમ બે શખ્સો જે ચોરીમાં સંડોવાયેલ છે. જે બંને આરોપીઓ રવિરાજ ચોકડી ખાતે હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી. જેમાં આરોપીઓ પાસેથી ચોરી થયેલ મોબાઈલ સહિતની મત્તા કબજે લેવામાં આવી હતી. જેમાં એલસીબી ટીમે આરોપી ઈબ્રાહીમ મામદ ઈબ્રાહીમ બેતારા અને અલારખા કરીમ આદમ મોખા રહે.
બંને દેવભૂમિ દ્વારકા જિલ્લા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ.૧,૧૯,૦૦૦, ચોરીમાં ગયેલ ચાર મોબાઈલ કીમત રૂ ૨૦,૫૦૦, બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી મેળવેલ રૂપિયામાંથી ખરીદી કરેલ સોના ચાંદીના દાગીના અને મોબાઈલ નંગ ૦૧ કિંમત રૂ.૭૪,૦૬૩ અને અન્ય સ્થળેથી ચોરી કરેલ મોબાઈલ નંગ ૦૫ કિંમત રૂ.૯૫૦૦ મળીને કુલ રૂ.૨,૨૩,૦૬૩ની કિંમતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
આરોપીઓ કારખાનામાં મજૂરની ઓરડીમાં રાત્રિના પ્રવેશ કરી મોબાઈલ અને રોકડ ચોરી કરતા અને બેંક એકાઉન્ટ બાબતના માહિતગાર હોવાથી મોબાઈલમાં રહેલ ડીઝીટલ વોલેટનો ઉપયોગ કરી પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા. આ રીતે મોડસ ઓપરેન્ડીથી ગુનાને અંજામ આપતા હોવાનું ખુલ્યું છે. જે આરોપીઓ પૈકી ઈબ્રાહીમ નામનો ઇસમ અગાઉ ઘરફોડ ચોરી અને બાઈક ચોરીના ગુનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પકડાઈ ચુક્યો છે.
Recent Comments