સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોઇ જૂથવાદ નથીઃ જયેશ રાદડિયા

રાજકોટમાં આજે રાજ્યકક્ષાના ૭૨માં વનમહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ જિલ્લાના કુલ પાંચ યાર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ઓક્ટોબરમાં યોજાનારી ચૂંટણી પૂર્વે સહકારી જગતમાં આંતરિક ખટરાગ જાેર પકડવા લાગ્યો છે. આ અંગે નિવેદન આપતા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કોઇ જૂથવાદ નથી, જિલ્લાના પાંચેય યાર્ડની ચૂંટણી બિનહરીફ થશે. ચેરમેન અને વાઇસ ચેરમેન કોને બનાવવા તેનો ર્નિણય ભાજપનું મોવડી મંડળ લેશે. હાલમાં પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. યાર્ડની ચૂંટણીઓમાં કોઇ જુથવાદ નથી.

વધુમાં જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ જ નહિં પરંતુ જિલ્લાના પાંચેય માર્કેટ યાર્ડમાં ચૂંટણીને બદલે બિનહરિફ પેનલના પ્રયાસ છે. પ્રથમ તબક્કે જામકંડોરણા યાર્ડને હાથમાં લેવામાં આવ્યું હતું. જ્યાં બુધવારના રોજ બિનહરિફ પેનલ થઈ ગઈ હતી. હવે ઉપલેટા યાર્ડની ચૂંટણીનો વારો છે. તેના દાવેદારોને સમજાવીને બિનહરીફ પેનલ તૈયાર કરવાનાં પ્રયાસ ગઈકાલથી શરૂ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ યાર્ડને લાગે વળગે છે ત્યાં સુધી હજુ કોઈ વાતચીત કે બેઠક કરી નથી. એટલુ નક્કી છે કે તમામ દાવેદારોને સમજાવટ કરીને ચૂંટણી બિનહરિફ કરવાના પ્રયત્નો થશે તે સફળ પણ રહેવાનો વિશ્વાસ છે. ઉપલેટા યાર્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજકોટનો વારો આવશે.

Related Posts