રાજકોટ સિવિલમાં ૪૦૦થી વધુ ડોક્ટરોની હડતાળ ત્રીજા દિવસે યથાવત્
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલી પંડિત દિન દયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજનાં રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માગને લઇને હડતાળ પર ઉતર્યા છે. અલગ અલગ જૂની માગણીઓને લઇને ૨૫૦ રેસિડેન્ટ અને ૧૫૦ ઇન્ટરનલ ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે. ડોક્ટરોએ આક્ષેપ કર્યો છે કે, ગાંધીનગર ખાતે કમિશનર દ્વારા અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. આજે સતત ત્રીજા દિવસે હડતાળ યથાવત રાખી ‘કમિશનર હાય હાય, તાનાશાહી નહીં ચલેગી‘ના સુત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે તબીબોએ હાલ ઈમર્જન્સી સેવાઓમાંથી પણ હાથ ખેંચી લીધો છે જેથી દર્દીઓની સ્થિતિ બગડતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે.
આજે ત્રીજા દિવસે ડોકટરોએ કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોનું કહેવું છે કે , જ્યારે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી ત્યારે ૧૦ લાખના બોન્ડ અને સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી આપવામાં આવશે તેવી શરત હતી. પરંતુ ૩૦ તબીબની અન્ય હોસ્પિટલમાં બદલી થતા વિરોધ સાથે ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગ શરૂ છે ત્યારે જાે તેઓની માંગ નહિ સંતોષાય તો એ પણ બંધ કરવાની તૈયારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સ્પેશિયાલિસ્ટ તબીબો કે જેમનો અભ્યાસ પૂરો થયો ત્યારે જ કોરોનાની બીજી લહેર આવી હતી. આ સમયે તંત્રે જાહેરાત કરી હતી કે આ તબીબો સરકારી હોસ્પિટલમાં નિમણૂક મેળવે તો તેમનો જે બોન્ડ છે તેની ફરજનો સમય ૧ઃ૨ એટલે કે એક મહિનો કામ કરે તો બે મહિનાની નોંધ થશે. આ કારણે બોન્ડ પણ ઝડપથી પૂરો થશે તેમજ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર પણ મળી શકે. આ રીતે ૧૧ માસના કરાર પર નિમણૂક અપાઇ હતી. ૧૨ એપ્રિલે કરેલા આ પરિપત્ર બાદ ૩૧ જુલાઈએ નવો પરિપત્ર આવ્યો જેમાં આ બધા તબીબોની બદલી કરી નાંખી છે અને બોન્ડનો સમય પણ ૧ઃ૧ કરી નાંખ્યો છે. આ ઉપરાંત પગાર ધોરણમાં પણ ઘટાડો કરાયો છે.
Recent Comments