રાજપીપળાથી ડભોઈ તરફ પસાર થઈ રહેલી કાર એકાએક રોડની બાજુમાં આવેલ નર્મદા કેનાલમાં ખાબકતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઘટના સ્થળે પહોંચેલી શિનોર પોલીસે મૃતકને કેનાલમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડવવાની તજવીજ કરી હતી. મળતી માહિતી અનુસાર રાત્રીના સમયે ડભોઇ તાલુકાના સેજપુરા ગામે રહેતાં ૩૦ વર્ષીય ઉત્સવ ગોપાલ મહંત પોતાની કાર લઈને રાજપીપળા-સેગવા-ડભોઈ માર્ગ ઉપરથી પોતાના ઘરે સેજપુરા જઈ રહ્યા હતાં. તે દરમિયાન શિનોર તાલુકાના મોટા કરાળા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસે આવતાં ઉત્સવ મહંતે એકાએક કાર ઉપરથી કાબૂ ગુમાવી દેતાં કાર રોડની બાજુમાં આવેલ નર્મદા કેનાલમાં ખાબકી હતી. જે અંગેની જાણ રોડ ઉપરથી પસાર થતાં રાહદારીઓ દ્વારા શિનોર પોલીસને કરાઈ હતી. જેના પગલે શિનોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને જી.સી.બી.મશીન વડે કેનાલમાં ખાબકેલી કારને બહાર કાઢી હતી. જેમાં કારમાં સવાર ઉત્સવ મહંતનું મોત નીપજતાં શિનોર પોલીસે ઉત્સવ મહંતના મૃતદેહને બહાર કાઢી અકસ્માત મોત નોંધી પીએમઅર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી હતી.
રાજપીપળાથી ડભોઈ તરફ જઈ રહેલી કાર રોડની બાજુમાં નર્મદા કેનાલમાં ખાબકતાં એક વ્યક્તિનું મોત

Recent Comments