અમરેલી

રાજયમાં સરળ સ્વભાવના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ભારતીય જનતાપાર્ટીએ અચાનક, અકારણ અને અધવચ્ચે રાજીનામું અપાવ્યું તેનું અત્યંત દુઃખ વ્યક્ત કરતા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી

આજે રાજયમાં સરળ સ્વભાવના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને ભારતીય જનતા પાર્ટીએ અચાનક, અકારણ અને અધવચ્ચે રાજીનામું અપાવ્યું તેનું અત્યંત દુઃખ વ્યક્ત કરતા ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે વીતેલા ૨૫ વર્ષથી સતત અને સળંગ શાશનની ધુરા સંભાળનારી ભારતીય જનતા પાર્ટીએ પોતાની તમામ મોરચે નિષ્ફળતાઓને ઢાંકવા માટે માત્ર ચેહરો બદલ્યો છે પરંતુ નીતિ-રીતી બદલાતી નથી.માન. મુખ્યમંત્રીશ્રીનું રાજીનામું એ ભારતીય જનતા પાર્ટની તમામ મોરચે નિષ્ફળતા અને આંતરિક લડાઈના ખુલ્લા એકરાર સહીત સરકાર અને સંગઠન વચ્ચેના સતત સંઘર્ષનું પ્રતિબિંબ છે. શ્રી ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલની મંદી-મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને કોરોના મહામારી દરમ્યાન સમગ્ર રાજ્યમાં રચાયેલા મોતના તાંડવ માટે માન. મુખ્યમંત્રીશ્રી રૂપાણીની સરકારને સતત રીમોટ કંટ્રોલથી ચલાવનારા ખુદ માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન.ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ સીધ્ધા જ જવાબદાર છે.કોરોનાની મહામારી વચ્ચે જયારે સમગ્ર વિશ્વ આરોગ્ય સુવિધાઓ ઉભી કરવા માટે નિષ્ઠા પૂર્વકના પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે માત્ર તાલી અને થાળી વગાડવામાં વ્યસ્ત રહેલી ભારતીય જનતા પાર્ટીની સત્તા ભૂખે અંદાજીત ૩ લાખ કરતા વધુ ગુજરાતીઓને મોતના મોઢામાં ધકેલવાની ગુનાહિત સરકારી બેદરકારીને ઉજાગર કરી છે, કોરોના મહામારીની બીજી લહેર દરમ્યાન આરોગ્ય સુવિધાઓનો અભાવ અને સ્મશાને લાગેલી લાંબી લાઈનોએ કદાચ માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો ભોગ લીધો હોઈ એવું લગી રહ્યું છે.


આઝાદીની લડાઈમાં સમગ્ર દેશને નેતૃત્વ પૂરું પાડનારા પૂજ્ય ગાંધી અને સરદારના સંસ્કારોથી સિંચાયેલા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ રજુ કરેલા “મોદી મોડલ” થી આજે સ્વાર્થ અને ભયની દીવાલ વચ્ચે સમગ્ર દેશ અને પ્રદેશ ફસાઈ ગયો હોઈ તેવો અહેસાસ થઇ રહ્યો છે.

છેલ્લા ૨૦-૨૦ વર્ષથી કાલ્પનિક ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારી રીત-રસમોથી સતત સત્તા ટકાવનારી ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે આગામી દિવસોમાં “મોદી મોડલ” ની નિષ્ફળતાઓને ઢાંકવા માટે ફરીથી ગુજરાતમાં જ્ઞાતિવાદી અને કોમવાદી ઝેર ફેલાવવા માટે વર્ગ-વિગ્રહનું ષડયંત્ર રચાય એવી પૂરી સંભાવના વ્યક્ત કરતા શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે હાલ સમગ્ર ગુજરાતના ગુસ્સાને ખાળી શકે એવો એકપણ ચહેરો ગુજરાત ભાજપ પાસે ઉપલબ્ધ નથી ત્યારે કદાચ માન. અમિતભાઈ શાહે પોતાના ગૃહ રાજ્ય એવા ગુજરાતની રાજનીતિમાં પરત આવવા માટે ગોઠવેલા ષડ્યંત્રકારી ચોગઠામાં માન. મુખ્યમંત્રીશ્રી રૂપાણી ભોગ બન્યા હોવાની દ્રઢ આશંકા વ્યક્ત કરી છે. અંતમાં શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ૨૫ વર્ષના સતત અને સળંગ શાસન છતાંપણ જન સમસ્યાઓને નિવારવામાં નિષ્ફળ નીવડેલી ભારતીય જનતા પાર્ટીની સરકારથી સામાન્ય માણસના સંવિધાનિક અધિકારોને બચાવવા માટે અમો સમાનતા અને સદભાવનાના પાયા ઉપર અહિંસક આંદોલનને આક્રમકતાથી આગળ ધપાવીશું અને સમસ્યાઓના નિવારણ માટે સત્તા પરિવર્તનની લડાઈમાં ગુજરાતની જનતાના અચૂક આશીર્વાદ મળશે એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Related Posts