રાજુલાના ખેરા ખાતે દરિયાઈ ખારાશ અટકાવવા માટેની ૬.૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામનાર પ્રોટેક્શન દીવાલનું ખાતમુહૂર્ત કરતા પ્રભારીમંત્રી
કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલા, એનસીયુઆઈ ચેરમેન શ્રી સંઘાણી, સાંસદ શ્રી કાછડીયા અને પૂર્વ સંસદીય સચિવ શ્રી સોલંકી ઉપસ્થિત રહ્યાં
ગુજરાત રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા અમરેલી જિલ્લાના રાજુલાના ખેરા ખાતે દરિયાઈ ખારાશ અટકાવવાના હેતુથી પ્રોવાઇડીંગ કોસ્ટલ પ્રોટેકશન ટુ કોમ્બેટ સી-ઈરોઝન (દરીયાઇ પુર સંરક્ષણ દિવાલ)ના અંદાજીત રકમ રૂા.૬.૦૮ કરોડના કામનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાના વરદ હસ્તે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલા, એનસીયુઆઈના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા પશુપાલન અને માછીમારી કરતા લોકો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં છે. મંત્રીશ્રીએ ઉપસ્થિત માછીમારી કરતા ભાઈબહેનોને આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા આહવાન કર્યું હતું.
પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નિર્માણ પામનાર ૬૩૦ મીટરની પ્રોટેક્શન દિવાલથી દરિયાઈ ખારાશ આગળ ન વધતા ત્યાં જ અટકી જશે. આમ રાજ્ય સરકાર રાજ્યના છેવાડાના નાનામાં નાના વ્યક્તિની ચિંતા કરે છે.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા અને સ્થાનિક અગ્રણીશ્રીઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments