અમરેલી

રાજુલા પીજીવીસીએલમાં સ્ટાફનો અભાવ પ્રજા પરેશાન

છેલ્લા આઠ દિવસથી પીજીવીસીએલમાં અધિકારીઓની બદલી થઈ ગઇ છે. હજુ સુધી નવા અધિકારી હાજર થયા નથી. લોકોની ફરિયાદ કોઈ સાંભળતું નથી. શહેરવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. ઉત્તરાયણના તહેવાર દરમિયાન આખો દિવસ વિજ પુરવઠો બંધ રહ્યો હતો. તેમજ આજે સમગ્ર દિવસ દરમિયાન વારંવાર વિજળી ગુલ થતી હતી. અહી ૧૨ કલાકમાં ૨૪ વખત વિજળી ગુલ થઈ રહી છે.

વિજ તંત્રની વિજ ફોલ્ટ બુકમાં ૪૦ ફરિયાદ આવી હતી.સ્ટાફના અભાવે સાંજ સુધીમાં રીપેરીંગ કાર્ય થયું ન હતું. ઉપરાંત કાર્યપાલ ઈજનેરની કચેરીમાં તાળુ મારેલું હતું. અહીના શિક્ષક સોસાયટી, સવિતાનગર, વર્કશોપ વિસ્તાર, આંબેડકરનગર, જ્યોતિ ફીડર વિસ્તારમાં સાંજના સાત વાગ્યે વિજ પુરવઠો શરૂ થયો હતો. વિજ તંત્ર પાસે ફોલ્ટ રીપેરીંગ માટે સ્ટાફ જ નથી. માત્ર એપ્રેન્ટીસના ભરોસે કામગીરી ચાલી રહી છે. ત્યારે રાજુલામાં વિજ પ્રશ્ન હલ કરવા વેપારીઓમાં માંગણી ઉઠી હતી. રાજુલામાં વારંવાર વીજળી ગુલ થવાનો પ્રશ્ન બહુ લાંબા સમયથી છે. વાવાઝોડા બાદ અહીં નવા વીજ પોલ તો નખાયા પરંતુ વીજળી ગુલ થવાની સમસ્યામાંથી લોકોને હજુ છુટકારો મળ્યો નથી.

રોજેરોજના વીજ ધાંધિયાથી અહીંની પ્રજા તોબા પોકારી ઉઠી છે અને તંત્ર કદાચ માત્ર આંદોલનની ભાષા જ સમજે છે. રાજુલા વિજ કચેરીમાં ફરજ બજાવતા એક એપ્રેન્ટીસે જણાવ્યું હતું કે દિવસમાં અંદાજીત ૪૦ જેટલી ફોલ્ટની ફરિયાદ આવે છે. પરંતુ હેલ્પર અને સ્ટાફની ઘટ છે. માત્ર એપ્રેન્ટીસ છે. પણ એપ્રેન્ટીસને વિજ ફોલ્ટ રીપેર કરતા આવડતું નથી. અને સ્ટાફની ઘટના કારણે સમયસર વિજ ફોલ્ટ રીપેર થતા નથી. રાજુલામાં વેપારી અગ્રણી ગૌરાંગભાઈ મહેતાએ જણાવ્યું હતું કે દિવસ દરમિયાન વિજળીના ધાંધીયાથી ઠંડાપીણા, લેથવાળા, હિરાના કારખાના સહિતના જુદા જુદા ક્ષેત્ર પર અસર પહોંચે છે. વેપારીઓના ધંધા- રોજગાર પર માઠી અસર પહોંચી રહી છે.

કારખાનામાં મજુરીએ આવતા લોકોને ઘરે પરત ફરવું પડે છે. જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી રવુભાઈ ખુમાણે જણાવ્યું હતું કે રાજુલામાં વિજ તંત્ર કરોડોની કામાણી કરી રહ્યું છે. પરંતુ સરકાર અહી પુરતા સ્ટાફની નિમણૂંક કરવામાં નિષ્ફળ નિવડી છે. શહેરી વિસ્તારની વાતો દુર રહી ગામડામાં પણ ખેડૂતોના વિજ પ્રશ્નો હલ થતા નથી. ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી ખેતીવાડી વિજ જાેડાણની અરજીઓ પેન્ડીંગ છે. ખેડૂતોને વિજ જાેડાણ મળ્યા નથી.રાજુલામાં વિજ તંત્રના ધાંધીયા જાેવા મળે છે. અહી કેટલાક દિવસોથી સતત વિજળી ગુલ થઈ રહી છે. અહી આજે ૧૨ કલાકમાં ૨૪ વખત વિજ પાવર કપાયો હતો. જેના કારણે વેપારીઓ અને શહેરવાસીઓ પરેશાન બન્યા છે. સાથે સાથે વિજ તંત્રની ફોલ્ટ બુકમાં એક જ દિવસમાં ૪૦ ફરિયાદ આવી હતી. પણ સ્ટાફના અભાવે સાંજ સુધીમાં એક પણ ફરિયાદનું નિરાકરણ થયું ન હતું. ત્યારે શહેરમાં નિયમીત વિજ પુરવઠો આપવા માટે ચેમ્બર ઓફ કોમર્સે માંગ ઉઠાવી છે.

Related Posts