ભાવનગર

રેલવે બોર્ડ તરફથી ભાવનગર – લુણીધાર ટ્રેનને જેતલસર સુધી લંબાવવાની અને ભાવનગર થી જેતલસર સુધી વધુ નવી ટ્રેનને મંજૂરી આપવામાં આવી

કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ જી અને રાજ્ય રેલ મંત્રી શ્રીમતી દર્શનાબેન  જરદોશ જી ને કરવામાં આવેલ અસરકારક રજૂઆતના અનુસંધાને રેલવે બોર્ડ તરફ થી તા. ૨૮.૧૦.૨૦૨૨ ના રોજ વર્તમાનમાં ચાલતી ભાવનગર – લુણીધાર પેસેન્જર ટ્રેનને જેતલસર સુધી લંબાવવા અને ભાવનગર – જેતલસર નવી પેસેન્જર ટ્રેનને મંજૂરી આપી દેવામાં આવેલ છે. કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના માર્ગદર્શન હેઠળ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના અથાગ પ્રયાસો થકી મંજૂર થઈ નિર્માણ પામેલ ઢસા – જેતલસર બ્રોડગેજ લાઈન ઉપર આગામી તા. ૩૧ ઓક્ટોબર થી બે – બે ટ્રેન દોડતી થશે.

આ તકે સાંસદશ્રીએ જણાવેલ છે કે, ગત તા. ૧૮.૦૬.૨૦૨૨ ના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન. શ્રી નરેન્દ્રભાઇ મોદી જી દ્વારા ઢસા થી લુણીધાર સુધીના સેક્શનનું ઇ- લોકાર્પણ કરવામાં આવેલ હતું અને સાથે સાથે ભાવનગર થી લુણીધાર સુધી પેસેન્જર ટ્રેનને પણ લીલી ઝંડી આપવામાં આવેલ હતી. પરંતુ તે દરમિયાન ઢસા – જેતલસર લાઈન પૈકી બીજા પેકેજ એટલે કે લુણીધાર થી જેતલસર સુધીનું કામ પૂર્ણ થયેલ ન હતું જેના લીધે ફક્ત  લુણીધાર સુધી જ પેસેન્જર ટ્રેન ચલવવામાં આવી રહી હતી. આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ વધુમાં જણાવેલ છે કે, ગત તા. ૨૦ અને ૨૧ ઓકટોબરના રોજ લુણીધાર થી જેતલસર સેક્શનના ગેજ પરિવર્તનના કામનું ઇન્સ્પેકશન પૂર્ણ થતાં ડી.આર.એમ.શ્રી, વેસ્ટર્ન રેલવે, ભવનગરપરા સાથે ટેલીફોનીક વાત કરી ભાવનગર થી લુણીધાર સુધી ચાલતી ટ્રેનને જેતલસર સુધી લંબાવવા અને વધુ નવી ટ્રેન અર્થે ઉચ્ચ કક્ષાએ દરખાસ્ત કરાવેલ અને ત્યારબાદ તા. ૨૫.૧૦.૨૦૨૨ ના રોજ બંને રેલ મંત્રીશ્રીઓને અસરકારક રજૂઆત કરવામાં આવેલ હતી.

જેના અનુસંધાને તા. ૨૮ ઓકટોબરના રોજ રેલવે બોર્ડ તરફ થી આ બંને દરખાસ્તોને મંજૂરી પ્રદાન થઈ ગયેલ છે. આ પ્રોજેક્ટ્સનું આગામી તા. ૩૧-૧૦-૨૦૨૨ ના રોજ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જીના વરદ હસ્તે ઈ – લોકાર્પણ પણ થનાર છે. સાંસદશ્રી એ બંને ટ્રેનોના ટાઇમ ટેબલ વિશે વાત કરતાં જણાવેલ છે કે, એક્ષટેન્શન આપેલ ટ્રેન નં. ૦૯૫૬૬ સવારે ૪:૪૦ કલાકે ભાવનગર થી ઉપડી સવારે ૮:૩૦ કલાકે જેતલસર પહોંચશે અને ટ્રેન નં. ૦૯૫૬૫ જેતલસર થી સવારે ૯:૦૦ કલાકે ઉપડી બપોરે ૧:૧૦ કલાકે ભાવનગર પરત પહોંચશે. તેમજ નવી મંજૂર કરવામાં આવેલ પેસેન્જર ટ્રેન નં. ૦૯૫૬૮ બપોરે ૨:૩૦ કલાકે ભાવનગર થી ઉપડી સાંજે ૬:૧૫ કલાકે જેતલસર પહોંચશે અને ટ્રેન નં. ૦૯૫૬૭ સાંજે ૬:૫૦ કલાકે જેતલસર થી ઉપડી રાત્રે ૧૦:૫૫ કલાકે પરત ભાવનગર પહોંચશે. તેમજ આ બંને ટ્રેન ઉપરાંત આ ટ્રેક પર લાંબા રૂટની વધુ ટ્રેનો ચાલુ થાય અને સોમનાથ થી હરિદ્વાર ટ્રેન પણ ઝડપ થી ચાલુ થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હોવાનું સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે.

Related Posts