લાખોની જનમેદનીને સમાવવાં માટે તંત્ર દ્વારા મોટાભાગની તૈયારીઓને આખરી ઓપ આપ્યો
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ ભાવનગર ખાતે પધારી રહ્યાં છે. વડાપ્રધાનશ્રી જવાહર મેદાન ખાતે જંગી મેદનીને સંબોધવાના છે ત્યારે તેમની સભાના સ્થળ એવાં જવાહર મેદાન ખાતે તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
માનવંતા મહેમાનો અને આવનાર જનમેદનીને બેસવાં માટે કુલ ૮ લાખ ચોરસ ફુટમાં ડોમ બાંધવામાં આવ્યો છે. જેમાં ૬,૫૦,૦૦૦ ફૂટનો મુખ્ય જર્મન ડોમ અને તેની બાજુની બંને સાઇડમાં કુલઃ ૧,૫૦,૦૦૦ ચો.ફુટમાં બીજા ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકો માટે ડોમમાં ૧,૮૦૦ પંખા, ૬૦ એલ.ઇ.ડી. લગાવવામાં આવી છે. જેથી બેઠા બેઠા જ લોકો જોઇ શકે. આ એલ.ઇ.ડી. સ્ક્રિન પણ મોટા લગાવવામાં આવ્યાં છે. આ ઉપરાંત ટેન્ટ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જવાહર મેદાનના કુલ ૨૪,૭૪,૦૦૦ ચો.ફુટમાં બેસવાં, પાણી, સેનિટેશન અને પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા રાત-દિવસ કરીને આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સભા સ્થળે સૂલેહ અને શાંતિ જળવાઇ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે.
બેસવાની વ્યવસ્થા કલર કોડ સાથે દરેક બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મીડિયાને કવરેજ કરવાં માટે પણ ઇન્ટરનેટ કનેક્શન, રાઇઝર સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
તંત્ર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને વિવિધ વ્યવસ્થાઓની જવાબદારી સોંપવામાં આવી છે અને આ અધિકારીઓ સતત તેમની કામગીરીનું નિરીક્ષણ કરીને તેમની કામગીરીને આખરી ઓપ આપી રહ્યાં છે.
આજે સવારે જવાહર મેદાન ખાતે કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ, ગુજરાત મેરીટાઇમ બોર્ડના એમ.ડી. શ્રી આર. બી. બારડ, નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.જે. પટેલે ઉપસ્થિત પ્રાંત અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને વ્યવસ્થા અને સંકલન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
Recent Comments