વડોદરાના જરોદમાં સ્કૂલના પટાવાળાએ વિદ્યાર્થીનીને લાલચ આપી શરીરસુખની માંગણી કરી

વડોદરાના જરોદની એમ.પી. હાઇસ્કૂલમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી સાડા તેર વર્ષની વિદ્યાર્થીની શાકભાજી લેવા માટે બજારમાં નીકળી હતી. ત્યારે શાળામાં પટાવાળા તરીકે નોકરી કરતો ૪૨ વર્ષનો યુવાન તેની પાછળ પડ્યો હતો. યુવાને તેની પાસે બિભત્સ માંગણી કરી હતી. બિભત્સ માંગણીના બદલામાં નાણાંકિય લાલચ પણ આપી હતી. ભુતકાળમાં પણ આવી રીતે અનેક વખત વિદ્યાર્થીનીનો આ પટાવાળા યુવાને પીછો કર્યો હોવાથી આખરે મામલો જરોદ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ભોગ બનનારની ફરિયાદના આધારે પટાવાળાની ધરપકડ કરતા જરોદ પંથકમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર જરોદ નગરમાં રહેતી અને એમ. પી. હાઇસ્કૂલમાં ધોરણ ૯માં અભ્યાસ કરતી સાડા તેર વર્ષની વિદ્યાર્થીની શનિવારે બજારમાં શાકભાજી લેવા માટે નીકળી હતી.
ત્યારે તેની જ શાળામાં પટાવાળા તરીકે ફરજ બજાવતો ગણપત ભાલીયા તેની પાછળ પાછળ ગયો હતો. ગણપતે તેને રોકી તેની પાસે શરીરસુખની માંગણી કરી હતી. આ માંગણી તે સંતોષે તો તેને પાંચથી લઇ પચાસ હજાર સુધીની લાલચ પણ આપવામાં આવી હતી. પટાવાળાની આ હરકતથી ફફડી ઉઠેલી વિદ્યાર્થિની ઘરે પહોંચી હતી અને બનાવ સંદર્ભે પરિવારજનોને વાત કરી હતી. પરિવારજનોએ આ ગંભીર ઘટના અંગે તાત્કાલિક જરોદ પોલીસ મથકને જાણ કરી હતી. ભુતકાળમાં પણ ગણપતે અવારનવાર વિદ્યાર્થીનીને હેરાન કરવાની કોશિશ કરી હોવાથી જરોદ પોલીસે ફરિયાદ નોંધી ગામમાં રહેતા ગણપત ભીખાભાઇ ભાલીયા (ઉંમર વર્ષ ૪૨)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments