વડોદરામાં એક એસ્ટેટ બ્રોકરને જાહેરમાં દોડાવીને તેણે માર માર્યો પછી અપહરણ કર્યુ
વડોદરામાં ગુનેગારો ઉપર પોલીસનો ખોફ રહ્યો નથી.ખુલ્લેઆમ જાહેરમાં ગુનાને અંજામ આપી રહ્યા છે. જે.પી.રોડ પોલીસ સ્ટેશન નજીક જ એક એસ્ટેટ બ્રોકરને પહેલા રોડ ઉપર દોડાવીને દોડાવીને માર્યો પછી કારમાં અપહરણ કરીને સનફાર્મા રોડ ઉપર લઇ ગયા અને ત્યાં ઢોર મારવામાં આવ્યો. બ્રોકર આરોપી પત્ની અને આરોપીના સસરા સાથે કલાલીમાં એક મિલકત બતાવવા માટે ગયો હતો અને પરત ફરતી વખતે આ ઘટના બની હતી. ગત તા.૫ ઓક્ટોબર, શનિવારના રોજ જેપલ રાજદીપભાઇ પટેલ એ જે.પી.રોડ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે ‘હું તા.૪ ઓક્ટોબર શુક્રવારે સાંજે નિલોફર અને તેના પિતા દિલશાદભાઇને લઇને કલાલી ખાતે એક મિલકત બતાવવા માટે ગયો હતો. નિલોફરને પ્રિ-સ્કૂલ ચાલુ કરવાની હોવાથી તે મિલકત શોધી રહી હતી.
અમે કલાલીથી પરત ફરી રહ્યા હતા ત્યારે ઓલ્ડ પાદરો રોડ ઉપર રાજસ્થાન પાણીપુરી ખાતે નિલોફરે ગાડી ઉભી રખાવી હતી અને તે પાણીપુરી પેક કરાવવા માટે ગઇ હતી. હું અને દિલશાદભાઇ ગાડીમાં હતા. આ સમયે જ બે લોકો ઓલા સ્કૂટર ઉપર આવ્યા અને મને કારમાંથી ઉતારીને મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા એટલે હું કારમાં બેસી ગયો અને દરવાજાે બંધ કરી દીધો હતો. આ દરમિયાન નિલોફરનો પતિ મોહસીન ત્યાં આવી પહોંચ્યો હતો. હું તેમને ઓળખતો હોવાથી કારમાંથી ઉતર્યો તે સાથે જ મોહસીન મને માર મારવા લાગ્યો હતો આ દરમિયાન એક સફેદ વેગન આર ગાડી પણ આવી હતી અને તેમાંથી પણ બે જણ લાકડીઓ લઇને ઉતર્યા હતા અને મને મારવા લાગ્યા હતા.
તેમનાથી બચવા હું રોડ ઉપર ભાગ્યો હતો. આ સમયે એક બાઇક ચાલક રોકાયો હતો હું તેની બાઇકમાં બેસી ગયો હતો. તે લોકો સફેદ વેગન આરમાં મારો પીછો કરી રહ્યા હતા.ઓલ્ડ પાદરા રોડ ઉપર કલેક્ટર કચેરીની સામે જ યોગા સર્કલ ઉપર મારી બાઇકને આંતરી હતી. મને ત્યાં રોકીને માર માર્યો હતો અને વેગન આર કારમાં ખેંચીને બેસાડી દીધો હતો. જે બાદ તેઓ મને સનફાર્મા રોડ ઉપર લક્ષ્મીનારાયણ રિસોર્ટ પાસેના ખુલ્લા મેદાનમાં લઇ આવ્યા હતા. અહી મને નીચે પાડીને માર માર્યો હતો પછી મોહસીન મારી છાતી ઉપર બેસી ગયો હતો અને છરી બતાવીને ધમકી આપી હતી કે મારી પત્ની સાથે ફરીશ તો જાનથી મારી નાખીશ.
Recent Comments