ગુજરાત

વડોદરામાં વિજુ સિંધીનો સાગરીત લાલુ સિંધી હિમાચલમાંથી ઝડપાયો

રાજ્યભરમાં દારૂનો જથ્થો સપ્લાય કરનાર વીજુ સિંધીના ખાસ માનવામાં આવતો લાલુ સિંધી હિમાચલ પ્રદેશના ચંબા ખાતેથી ઝડપાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની સૂચનાથી સ્થાનિક પોલીસે પકડ્યા બાદ અમદાવાદથી લાલુને લેવા માટે ટીમ રવાના થઈ હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યમાં દારૂના સૌથી મોટા સપ્લાયરોને ઝડપી પાડવા માટે સેલના વડા નિર્લિપ્ત રાય દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં સૌથી પહેલાં નાગદાન ગઢવીને હરિયાણાના ગુડગાંવથી ઝડપી પાડયો હતો. ગઢવી પાસેથી મળેલા પુરાવાઓ જેવા કે હિસાબની ડાયરી અને મોબાઈલ ફોનમાં રાજ્યમાં ચલાવતા કોર્પોરેટ લેવલના દારૂના ધંધાની વિગતો મોનીટરીંગ સેલને મળી હતી.

બાદમાં વડોદરામાં મુખ્ય મથક રાખી કરવામાં આવતા ધંધાની વિગતો પોલીસને મળી હતી. જેનો મુખ્ય સૂત્રધાર વીજુ સિંધી હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે વડોદરામાં જુદી જુદી બેંકમાં આવેલા તેમના ખાતાઓને સિલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ વીજુ સિંધી સામે રેડ કોર્નર નોટિસના પગલે તેની દુબઈ પોલીસ દ્વારા હોસ્પિટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ થઈ હતી. બીજી તરફ મોનીટરીંગ સેલ દ્વારા દારૂના આખા નેટવર્કને તોડી પાડવાના પ્રયાસના ભાગ રૂપે વડોદરાના લાલુ સિંધી ઉપર નજર રાખવામાં આવતી હતી.

હાલમાં લાલુ સિંધી હિમાચલમાં હોવાનું બહાર આવતા ટેક્નિકલ સરવેલેન્સમાં એ ચંબા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરતાં એને ઝડપી લેવાયો હતો અને એની જાણકારી મળતાં તુરંત જ સ્ટેટ મોનીટરીંગની ટીમ એને લેવા ચંમ્બા લેવા રવાના થઈ છે. મોનીટરીંગ સેલ દ્વારા ગેંગના મહત્વનાં માનતા જાેગીન્દર પાલ ઉર્ફે ફૌજીને હાલમાં જ મધ્ય પ્રદેશથી ઝડપી લેવામાં આવ્યો હતો. એક જ રાતમાં મોનીટરીંગ સેલ દ્વારા ૬૦૦ કિમીનો પ્રવાસ કરી એને ઝડપી લેવાયો હતો.

Related Posts