વર્ષાઋતુને પગલે અમરેલી જિલ્લાના જળાશયોમાં પાણીની આવક થતાં ખોડીયાર જળાશયમાં પાણીની ટકાવારી ૯૩.૧૦ ટકા સુધી પહોંચી
ચોમાસાની ચાલુ ઋતુમાં અત્યારસુધીમાં સમગ્ર રાજ્યમાં વરસાદ સારો નોંધયો. છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘો મન મૂકીને હેત વરસાવી રહ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદના કારણે તમામ જળાશયોમાં પાણીની આવક વધી છે. ખોડીયાર જળાશયમાં પાણીની ટકાવારી ૯૩.૧૦ ટકા સુધી પહોંચી, મુંજીયાસર જળાશયની પાણીની ટકાવારી ૬૮.૪૬ અને સુરજવડી જળાશયની પાણીની ટકાવારી ૬૬.૫૨ ટકા સુધી પહોંચી. અત્યારસુધી જિલ્લાના તમામ ડેમની સ્થિતિ સલામત છે. હાલ વરસાદની આગાહીના પગલે સમગ્ર જિલ્લાનું વહીવટીતંત્ર ખડેપગે છે. વરસાદની સ્થિતિને લઈ સમગ્ર જિલ્લાના તમામ લોકો સાવચેત રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લાની અંદર મુખ્ય કુલ ૧૦ સિંચાઈ યોજનાઓ આવેલી છે. અત્યારસુધીમા વરસાદના લીધે જિલ્લાના તમામ જળાશયોમાં પાણીની આવક થતાં ઠેબી જળાશયની પાણીની ટકાવારી ૨૪.૧૬ ટકા, વડી જળાશયની પાણીની ટકાવારી ૨૩.૦૯ ટકા,વડીયા જળાશયની પાણીની ટકાવારી ૪૮.૫૨ ટકા, ધાતરવડી ૧ની ૫૮.૧૬ અને ધાતરવડી-૨ની ૧૬.૫૮ ટકા અને રાયડી જળાશયની પાણીની ટકાવારી ૧૧.૨૬ સુધી પહોંચી છે. જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામ લોકોને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર -જવર ન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments