fbpx
ગુજરાત

વલાદ નજીક ટ્રેક્ટરમાં માટી ભરતી ભેખડ ધસી પડતા બે લોકોના મોતઃ ડ્રાઇવરનો આબાદ બચાવ

ગાંધીનગર ડભોડા પોલીસની હદમાં આવેલા વલાદ ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાંથી ટ્રેકટરમાં માટી ભરતી વખતે હજારો ટન માટીની ભેખડ ધસી પડતાં ગામના બે લોકોનું દટાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રેકટર ડ્રાઈવરનો આબાદ રીતે બચાવ થયો હતો.

ગાંધીનગરનાં વલાદ ગામમાં ઠાકોર વાસમાં રહેતા ૪૦ વર્ષીય ભરતજી ડાહ્યાજી ઠાકોર તેમજ ગામમાં એડીસી બેંક પાસે રહેતા ૩૨ વર્ષીય મહેશભાઈ રસિકભાઈ પટેલ વલાદ ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાંથી માટી કાઢવા માટે ટ્રેકટર લઈને ગયા હતા. તે વખતે ટ્રેકટરના ડ્રાઈવરે નદીનાં કોતરમાં ઊંડા ખાડા સુધી ટ્રેકટર લઈ જવામાં આવ્યું હતું. બાદમાં અહીં વિશાળ માટીની ભેખડ પાસેથી માટી ભરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તે વખતે અચાનક હજારો ટન વજનની ભેખડ ટ્રેકટર પર ધસી પડી હતી જેનો ટ્રેકટરનાં ડ્રાઇવરને ખ્યાલ આવી જતાં તે થોડોક દૂર ભાગી ગયો હતો, પરંતુ ટ્રેકટરનાં ટેલર ઉપર વિશાળ ભેખડની માટી ધસી પડતાં ભરતજી ઠાકોર અને મહેશ પટેલ નીચે દબાઈ ગયા હતા.

આ બાબતે બૂમાબૂમ થતાં ગામના સરપંચ ચીકુભાઈ સહિતનાં ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. શરૂઆતમાં ગ્રામજનોએ માટી ખસેડવાની કામગીરી કરી હતી પરંતુ ભેખડની માટી વિપુલ માત્રામાં હોવાથી જેસીબી મશીનની મંગાવવામાં આવ્યું હતું. બાદમાં જેસીબી મશીનની મદદથી માટી દૂર કરીને ટેલરને બહાર કાઢવામાં આવ્યું હતું. અને ભરતજી અને મહેશભાઈ નેપણ મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતાં ડભોડા પોલીસ મથકના વલાદ આઉટ પોસ્ટના જમાદાર જગદીશસિંહ ચાવડા તેમજ જયેન્દ્રભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બન્ને મૃતકોના છાલા પીએચસી કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાલમાં હાથ ધરવામાં આવી છે. ત્યારે ગામના બે લોકોના અકાળે અવસાન થતાં વલાદમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Follow Me:

Related Posts