રંગીલું રાજકોટ, મસ્ત મોલા જેવું કામ કાજ …. રાજકોટના પોલીસનું કોઈને કોઈ કાંડમાં નામ આવ્યા જ કરે છે અને બદનામ થયા કરે છે ત્યારે એક વખત ખોટું બોલ્યા બાદ અનેક વખત ખોટું બોલવું પડે છે, આવું જ રાજકોટ પોલીસ સાથે બન્યું છે. ચોરાઉ મુદ્દામાલને બદલે અન્ય મુદ્દામાલ પરત કરવા માટે વેપારીને માર મારવાના બનાવમાં ગાંધીગ્રામ પોલીસ જુઠ્ઠાણાના વમળમાં ફસાઇ ગઇ છે. તેલના વેપારી હિતેશ જાદવજીભાઇ ભાગિયાએ એડવોકેટ સુરેશ ફળદુ મારફત કોર્ટમાં ફરિયાદ કરી હતી અને પોલીસ મથકમાં માર માર્યાની ઘટનાના સીસીટીવી ફૂટેજ મગાવવાની માગણી કરી હતી. જે માગણી અદાલતે માન્ય રાખી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ જી.એમ. હડિયાને તા.૫-૮ના બપોર થી સાંજના વચ્ચેના સમયના સીસીટીવી ફૂટેજ સાથે હાજર થવા હુકમ કર્યો હતો.
જે હુકમને પગલે પીઆઇ હડિયા પોલીસ મથકના સીસીટીવી કેમેરા ટેક્નિકલ ખામીથી બંધ હોવાનું અને ડી સ્ટાફ રૂમમાં કોઇ કેમેરા લગાવ્યા ન હોય તેના સીસીટીવી ફૂટેજ મળી શકે તેમ ન હોવાના રિપોર્ટ સાથે કોર્ટમાં હાજર થયા હતા, પરંતુ પ્રજાના રક્ષક દ્વારા જ ભક્ષક જેવું આચરેલું કૃત્ય ઢાંકવાનો પીઆઇ હડિયાએ પ્રયાસ કરતા દસ મુદ્દાની વિગતો સોગંદનામા પર ખુલાસો કરે તેવી કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તે અરજી પણ કોર્ટે મંજૂર કરી બે દિવસમાં પીઆઇ હડિયાને દસ મુદ્દાની વિગતો સાથે હાજર થવા હુકમ કર્યો હતો. ત્યારે પીઆઇ હડિયા પોલીસ મથકમાં લગાડેલા ૧૫ ઓડિયો, વીડિયો રેકોર્ડિંગવાળા તેમજ નાઇટ વિઝનવાળા કેમેરા હોવા છતાં બે સીસીટીવી કેમેરાના ફૂટેજ સાથે હાજર થયા હતા. જેમાં એક ફૂટેજમાં ઓડિયો જ નથી.જ્યારે બીજા માળના કે જ્યાં માર મારવાનો બનાવ બન્યો હતો તેના સીસીટીવી ફૂટેજમાં પણ છેડછાડ કરી હોવાનું જાેવા મળ્યું હતું.
તે ફૂટેજમાં માત્ર કમરથી નીચેના જ દૃશ્યો દેખાતા હતા તેમજ ફૂટેજમાં તારીખ અને સમય પણ કપાઇ જતું હોય ઇરાદાપૂર્વક ઘટનાને છુપાવવાની કોશિશ કરી છે. એટલું જ નહિ એક ફૂટેજમાં ૧૫-૨૦ પોલીસ કર્મચારીઓ દોડાદોડી કરતા હોય તેવા કમરથી નીચેના દૃશ્યો દેખાતા હોય વેપારીને માર માર્યો હોવાનું સ્પષ્ટ થાય છે. આમ પીઆઇ હડિયાએ કોર્ટમાં સીસીટીવી કેમેરામાં કોઇ છેડછાડ કરી નથી તે અંગેનું સોગંદનામું પણ રજૂ કર્યું ન હોય શંકા ઉપજાવે છે. પોલીસ અધિકારીએ સુપ્રીમ અને હાઇકોર્ટની ગાઇડલાઇનનો ભંગ કર્યો હોવાથી તેમજ પોલીસે રજૂ કરેલી હકીકતો રેકોર્ડ પર વિરોધાભાસી આવી હોય અને કેટલાક ખુલાસાઓ પણ કર્યા ન હોવાથી પીઆઇ હડિયાએ રજૂ કરેલા સીસીટીવી ફૂટેજ કોર્ટમાં ઓપન કરી બતાવી પોલીસ સામે કાનૂની કાર્યવાહીની રજૂઆત કરાશે તેમ એડવોકેટ સુરેશ ફળદુએ જણાવ્યું છે.
સીસીટીવી બંધ હોવાનો રિપોર્ટ કરનાર પીઆઇને અદાલતે દસ મુદ્દાની માહિતી સાથે રિપોર્ટ કરવા આદેશ કર્યો હતો. પરંતુ પીઆઇ હડિયાએ કોર્ટની પણ અવગણના કરી ડી સ્ટાફ રૂમમાં શા માટે સીસીટીવી કેમેરા રખાયા નથી, સુપ્રીમ અને હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ પોલીસ મથકમાં કેટલા દિવસનું સીસીટીવી ફૂટેજ સ્ટોર કરાયું છે, આરટીઆઇ હેઠળ સીસીટીવીની માહિતી આપવામાં આવે છે કે કેમ તેમજ બનાવમાં સંડોવાયેલા સાત પોલીસ કર્મચારીઓના નામ સહિતની વિગતો અદાલતમાં રજૂ ન કર્યા.
Recent Comments