વ્યારામાં મોબાઈલ સાથે પકડાયેલી ૧૩ વર્ષની કિશોરીએ જીવન ટૂંકાવ્યુ
વ્યારાના ચીખલપાડામાં મોબાઇલ ફોનનો વપરાશ કરતી દીકરી પકડાઈ ગયા બાદ પરિવારે ઠપકો આપ્યો હતો. ગુસ્સે થયેલા માતા-પિતા અને દાદા-દાદી હવે વાત પણ નહીં કરે એવા ડરથી કિશોરીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. કિશોરીએ ૧૦ ફેબ્રુઆરીની બપોરે પીધેલી દવાની અસર૧૧ મીના મળસ્કે થઈ હતી. ઉલટી કરતાં પિતાને કહ્યું કે, મે દવા પીધી છે. જેથી પરિવારે ભાગદોડ કરી નાખી હતી.
વ્યારા રેફરલ બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ધોરણ ૮માં અભ્યાસ કરતી કિશોરી મોતને ભેટી હતી. ધોરણ ૮ની મૃતક તેજસ્વીના પિતા અનિલ ગામીતએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨-૩ દિવસથી જ એ ફોન વાપરતી હોવાનું પરિવારના ધ્યાનમાં આવ્યું હતું. આ બાબતે તેની પૂછપરછ કરી હતી. ફોન કોણે આપ્યો તેવું પૂછ્યું પણ કશું બોલી ન હતી. એટલે થોડો ગુસ્સો કર્યો હતો .ત્યારબાદ બધા જ પોત-પોતાના કામે લાગી ગયા હતા. ૧૧ ફેબ્રુઆરીના રોજ મળસ્કે તેજસ્વીની તબિયત બગડી હતી. ઉલટી કરતા-કરતા બોલી પપ્પા.. પપ્પા એક વાત કહું મેં દવા પીધી છે.. આ વાત સાંભળી ધ્રુજારી આવી ગઈ હતી. ભાન ભૂલેલી દીકરીના આવા કૃત્ય બાદ તેને ગંભીર હાલતમાં જ મોપેડ ઉપર તાત્કાલિક ગામના દવાખાને લઈ ગયા હતા. જયાંથી ૧૦૮માં વ્યારા રેફરલ અને ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં આજે વહેલી સવારે દીકરીએ છેલ્લો શ્વાસ લઈ પરિવારને રડતા કરી દીધા હતાં.દીકરી ભણવામાં હોશિંયાર હોવાનું કહેતા પિતાએ ઉમેર્યું કે, આશાસ્પદ દીકરી હતી.
Recent Comments