શર્મસારઃ ડેસરમાં ૧૩ વર્ષની સગીરા પર ત્રણ નરાધમોએ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચ્યો
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના એક ગામમાં રાત્રિના સમયે ૩ નરાધમોએ ૧૩ વર્ષની કિશોરી ઉપર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ગુરુવારે રાત્રે ડેસરના નાનકડા ગામમાં લગ્ન હોવાથી વરઘોડો નીકળ્યો હતો. ધોરણ-૮માં અભ્યાસ કરતી ગામની કિશોરી વરઘોડામાં સામેલ થઇ હતી અને રાત્રે ૯ વાગ્યાના અરસામાં મંદિર પાસે વરઘોડો રોકાયો હતો, ત્યાં સગીરા મંદિરના ઓટલા ઉપર બેઠી હતી, એ દરમિયાન ગામનો ચિરાગ બાબુભાઇ માછી તેની બાજુમાં ઓટલા ઉપર આવીને બેસી જઈને ‘ચાલ, મારી સાથે એમ જણાવી સગીરાનો હાથ પકડી મંદિરની પાછળના ભાગે અંધારામાં ખેંચીને લઇ ગયો હતો. બેન્ડવાજાના સ્પીકરનો અવાજ હોવાથી ગામની બીજી કોઈ વ્યક્તિ જાણે એ પહેલાં ગામના બીજા હવસખોર યુવાનો ભૂપેન્દ્ર કાંતિભાઈ માછી અને પરેશ ઉર્ફે બટાકી મનુભાઇ માછી પણ નક્કી કરેલી જગ્યા ઉપર જઈ ચઢ્યા હતા.
મંદિરની પાછળ આવેલા સૂમસામ ખેતરમાં સગીરાને લઇ જઇને ત્રણેય હવસખોરોએ ભેગા મળીને તેને પકડી રાખી ચિરાગે સગીરાનાં કપડાં ઉતારી નાખ્યા હતા અને ભૂખ્યા વરુની જેમ વારાફરતી ત્રણે નરાધમ સગીરા પર તૂટી પડ્યા હતા અને સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. નાના છોકરાઓની ચહલપહલ અને બૂમાબૂમ થતાં ઘટનાસ્થળેથી ચિરાગ, ભૂપેન્દ્ર અને પરેશ ઉર્ફે બટાકી ભાગી છૂટ્યા હતા
ધોરણ-૮માં અભ્યાસ કરતી સગીરાનાં માતા-પિતાને જાણ થતાં તેઓ બેબાકળા બની ગયાં હતાં. તેમના ફૂવા દીકરીને ઘરે લાવ્યા હતા. સગીરાએ નામો જણાવતાં આરોપીઓના ઘરે તપાસ કરી હતી, પરંતુ ત્રણેય હવસખોર ભાગી છૂટયા હતા. કિશોરીના પિતાએ ૧૮૧ પર ફોન કરી વિગતે જાણ કરી હતી. ડેસર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને રાત્રિ દરમિયાન એક આરોપી પરેશ ઉર્ફે બટાકીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે આરોપીની શોધખોળ પોલીસ કરી રહી છે.
Recent Comments