fbpx
ભાવનગર

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે સંતોષ વ્યકત કરતા વડી અદાલતના અવલોકનોને આવકાર્યા

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ ગુજરાત વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી અરવિંદકુમારની સિનીયર બેંચે રાજ્યની પ્રાથમિક શાળાઓના બિલ્ડીંગ સહિતની ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ બાબતે જે સર્વગ્રાહી અવલોકન કરીને સરકારની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો છે તેને રાજ્યના શિક્ષણ વિભાગ માટે ગૌરવપૂર્ણ બાબત ગણાવીને આવકારી છે.

        રાજ્યના છોટાઉદેપૂર તાલુકાના વાગલવાડા ગામમાં સરકારી પ્રાથમિક શાળામાં મકાનના અભાવે વિદ્યાર્થીઓને ખૂલ્લામાં અભ્યાસ કરવો પડે છે તે ર૦ર૧ના વર્ષમાં ડિસેમ્બર માસના કેટલાંક અખબારી અહેવાલના સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો પ્રક્રિયા હાથ ધરીને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ પાસેથી સ્થિતીનો ચિતાર માંગ્યો હતો.

        શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની રાજ્યવ્યાપી સ્થિતીનું સંપૂર્ણ ચિત્ર એડવોકેટ જનરલ શ્રી કમલભાઇ ત્રિવેદી મારફતે ચીફ જસ્ટીસ શ્રી અરવિંદકુમાર અને વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી આશુતોષજીની ડિવીઝનલ બેંચ સમક્ષ રજુ કર્યુ હતું.

        આ સંદર્ભમાં વડી અદાલતે રાજ્ય સરકારની સરાહના કરતાં જે અવલોકનો કર્યા છે તેની વિગતો રાજ્યના એડવોકેટ જનરલ શ્રી કમલભાઇ ત્રિવેદીએ શિક્ષણ મંત્રીશ્રીને આપી હતી.

        શિક્ષણ મંત્રીશ્રીએ આ વિગતો આપતાં જણાવ્યું કે, હાઇકોર્ટના ચીફ જસ્ટીસશ્રીએ માત્ર છોટાઉદેપૂરની વાગલવાડા સ્કૂલ જ નહિ પરંતુ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓની સુવિધાઓ અંગેની વિગતો પરથી જે અવલોકનો અને તારણો કાઢયા છે તે રાજ્યના શિક્ષણ વિભાગ માટે પ્રેરણારૂપ બનશે.

        શિક્ષણ મંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, હાઇકોર્ટના ચીફ જસ્ટીસશ્રીએ શાળાઓના બિલ્ડીંગ, ટોયલેટ અને સેનીટેશન સુવિધા, પાણીની વ્યવસ્થા, શિક્ષણની ગુણવત્તા, શિક્ષણ સુધારાના પગલાંઓ તેમજ સ્ટુડન્ટ ટીચર્સ રેશિયો, શાળામાં રમતના મેદાન જેવી બધી જ બાબતોને પોતાના અવલોકનોમાં આવરી લીધી હતી.

        તેમણે એમ પણ ઉમેર્યુ કે, થર્ડપાર્ટી તરીકે નિયુકત કરેલા બે યુવા એડવોકેટસનો શાળાઓની સુવિધા અંગે જે સકારાત્મક અભિપ્રાય આવ્યો તેની પણ હાઇકોર્ટે નોંધ લીધી છે.

        રાજ્ય સરકારે પણ ખૂબ ઝિણવટપૂર્વક ચર્ચાઓ હાથ ધરીને પોતાનો પક્ષ રજુ કર્યો હતો અને શાળાઓના નામાંકનથી માંડીને સુવિધાયુકત શાળા સંકુલ નિર્માણની સર્વગ્રાહી બાબતો હાઇકોર્ટ સમક્ષ મૂકી હતી તેમ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.

        શિક્ષણ મંત્રીશ્રીએ આ વિગતો આપતાં વધુમાં એમ પણ જણાવ્યું કે, શાળાઓના વિદ્યાર્થીઓના નામાંકનનો દર ર૦૦૩-૪ માં ૭પ ટકા હતો જે વર્તમાન સમયે ૧૦૦ ટકા થવા આવ્યો છે. ડ્રોપ આઉટ રેઇટ ૧૮.પ થી ઘટીને ૩ ટકા, દિકરીઓનો ડ્રોપ આઉટ રેઇટ ધો-૧ થી પ માં ૧૧ થી ઘટીને ૧ ટકો અને ૬ થી ૮ માં રર થી ઘટીને ૩.૮ ટકા થઇ ગયો છે.

        સ્ટુડન્ટ ટીચર્સ રેશિયો પણ જે ર૦૦૧-૦ર માં ૪૦:૧ હતો તે હવે ર૮:૧ થઇ ગયો છે. એટલું  જ નહિ, રાજ્ય સરકારે ર૦૦૧ થી ર૦ર૧ સુધીમાં ૧ લાખ ૩૭ હજાર નવા વર્ગખંડ બનાવ્યા છે.

        તેમણે ઉમેર્યુ કે, હાઇકોર્ટે પોતાના અવલોકનમાં એવું પણ નોંધ્યુ છે કે, રાજ્ય સરકાર માંગણી મુજબ સરકારી શાળાના મકાનોના બાંધકામ પણ કરતી રહી છે. ‘સમગ્ર શિક્ષા’ દ્વારા આવી કામગીરી ઓનલાઇન ટેન્ડરીંગ કરીને ઝડપી બનાવાઇ છે.

        તેમણે કહ્યું કે વડી અદાલતે એ વાતની પણ નોંધ લીધી છે કે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા રાજ્યની પ૪ હજાર જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ૪ લાખ શિક્ષકો અને ૧ કરોડ ૧પ લાખ જેટલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગતિવિધિઓ પર દેખરેખ રાખવામાં આવે છે. જેણે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નીંગ આઉટકમને ઇમ્પ્રુવ કરવામાં મદદ કરી છે.

        એટલું જ નહિ, રાજ્યભરની ૩ર હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ ર લાખ જેટલા શિક્ષકોની સુવિધા માટે કેળવણી, વહિવટી માળખાકીય અને શૈક્ષણિક સ્તર બધી બાબતોનું હાઇકોર્ટે અવલોકન કરીને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે અને સરાહના કરી છે.

        ગુજરાત હાઇકોર્ટના આ અવલોકનો અને સરાહનાને આવકારતા શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર પ્રાથમિક શિક્ષણથી લઇને સમગ્ર શિક્ષણ ક્ષેત્રે જરૂરી ખૂટતી બધી સુવિધાઓ આપવા પ્રતિબદ્ધ છે.

        તેમણે ઉમેર્યુ કે, હાઇકોર્ટના આવા સકારાત્મક અવલોકનોને પરિણામે શિક્ષણ ક્ષેત્રને નવી ઉર્જા અને પ્રેરણા મળી છે.         મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર શિક્ષણના સ્તરને વધુ ને વધુ ઊંચે લઇ જવા માટે સંપૂર્ણ સજ્જ અને સંકલ્પબદ્ધ છે અને રહેશે તેમ પણ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યુ છે

Follow Me:

Related Posts