શ્રીમદ ભાગવત કથા ભગવાનનું વાંગમય સ્વરુપ : જીજ્ઞેશ દાદા
છઠ્ઠા દિવસની કથામાં ભાવનગરના યુવરાજની વિશેષ ઉપસ્થિતિ
તળાજા તાલુકાની ગિરિકંદરાઓમાં કુંઢડા ગામ પાસે આવેલ ગૌધામ કોટિયા આશ્રમ ખાતે ગત મંગળવારથી શરું થયેલું ભાગવત કથાનું સુંદર આયોજન આગળ વધી રહ્યું છે. આજે આ મણકામા કથાએ છઠ્ઠા દિવસમાં પ્રવેશ કર્યો છે. આજના દિવસે વિશેષ અતિથિ તરીકે ભાવનગરના મહારાજા યુવરાજશ્રી જયવીર સિંહજી ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે તેમના વક્તવ્યમાં કહ્યું કે એક નાગરિક તરીકે આપને મારી જ્યાં જરૂર પડે ત્યાં હું ભાવનગર રાજ્યના કોઈપણ લોકો માટે નાની મોટી સેવા કરવા માટે હંમેશા તત્પર છું. સમગ્ર ભાવનગર અને ગુજરાતના વિકાસની કામના કરું છું. અહીં આ ગૌધામમા ગાયની સેવા થઈ રહી છે તે જાણીને હું આશ્રમની પ્રવૃત્તિને બિરદાવું છું. અને પૂજ્ય લહેરગીરી બાપુની આ સેવાની ધૂણીને નતમસ્તકે વંદન કરું છું.
જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય જીગ્નેશ દાદા રાધે રાધેએ પોતાની વાણીને પવિત્ર કરતાં કહ્યું કે, ભાવનગરનું પ્રદાન દેશ માટે ઓછું નથી. મહારાજા કૃષ્ણકુમાર સાહેબને જેટલા વંદન કરીએ એટલાં ઓછાં છે. હું તેમને ભારત સરકાર તરફથી ભારત રત્ન સન્માન મળે તેવો વ્યાસપીઠથી અનુરોધ કરી રહ્યોં છું. યુવરાજ શ્રી જયવીર સિંહજીની ઉપસ્થિતિએ સૌને ભાવવિભોર બનાવ્યાં છે. વ્યાસપીઠ આપની ભાવનગર રાજ્ય માટેની બલિદાની માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.પુ. જીગ્નેશ દાદા એ ભાવનગર મહારાજા સાહેબના ઉદાહરણો દ્વારા તેમના વ્યક્તિત્વને ઉજાગર કરવાનો ખૂબ સુંદર પ્રયાસ કર્યો.
ભાગવત કથાને આજના દિવસમાં પ્રવેશ કરાવતા વ્યાસપીઠથી જીગ્નેશ દાદા એ કહ્યું કે ગોવર્ધન પર્વતની કથા એક એવી કથા છે કે જેમાં મેઘાડંબરમાં ઈશ્વરે સૌને બચાવી લીધાં. એટલું જ નહીં ગોવર્ધન જેટલાં વ્રજવાસીઓ તેની નીચે આવ્યાં એટલો તે પહોળો થતો ગયો. એનો અર્થ એવો થાય કે ઈશ્વર સૌને રક્ષિત તો કરે છે પરંતુ આ શુભ કાર્ય માટે જ્યારે જ્યારે પોતાની ચેતનાની તાકાત લગાવવાની જરૂર પડે તો તે ગોવર્ધનને મોટો પણ કરી શકે છે. ભાગવત કથાના માધ્યમથી હું વિદ્યાર્થીઓ કલ્યાણ માટે ઊભી થતી વિદ્યાપીઠ “તથાસ્તુ” માટે દાન સ્વીકારું છું. પરંતુ આ ગોધામમાં જે ગાયની સેવા થઈ રહી છે.તેથી હું અહીંથી કોઈ દાન સ્વીકારવાનો નથી. પરંતુ અહીં જે કંઈ સેવા પ્રાપ્ત થશે તે બધી જ ગૌમાતાને અર્પણ કરવામાં આવશે. આપણે સંકલ્પ કર્યો છે કે 200 ગાયો ની સેવા કરવા માટે એક ગાય માટે રૂપિયા 11,000 ની જરૂર પડે. આ સંકલ્પમાં 100 ગાય ની સેવા આપનારા દાતાઓ પ્રાપ્ત થઈ ચૂક્યાં છે. આજે આદરણીય જયવીરસિંહજીને જ્યારે વ્યાસપીઠે વિનંતી કરી. ત્યારે તેમણે સહર્ષ રીતે 100 ગાયની સેવા સ્વીકારી હતી. ભાગવત કથાએ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે અને તેના બાર સ્કંધ એ સ્વરૂપોના અંગો છે. અને તેથી દસમ્સ્કંધ એ ભગવાનનું હૃદય છે.
દસમ્સકંધની કથામાં ભગવાનના વિવિધ લીલા ચરિત્રનું વર્ણન કરી સૌને કૃત કૃત્ય કર્યા હતાં. આજની કથામાં ભજનાનંદ આશ્રમ બોટાદના સ્વામી શ્રીઆત્માનંદજી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. તળાજા, મહુવા તાલુકાના આસપાસના ગામડાની વિશાળ મેદની કથા શ્રવણનો, ભોજન અને ભજનનો સુંદર લહાવો લઈ રહી છે…! દત્તાત્રેય આશ્રમ, ગો ધામના મહંત લહેરગીરિબાપુએ લાભ લેવા જાહેર આમંત્રણ આપ્યું છે.કથાની પૂર્ણાહુતિ તા.20 ને રવિવારના રોજ થશે. એક આધ્યાત્મિક ચેતના કેન્દ્ર તરીકે ગૌધામ કોટિયા વિકાસ કરી રહ્યું છે તેની પ્રતિતિ થઈ રહી છે…!
Recent Comments