ગુજરાત

સગીરાને પેટમાં દુ:ખાવો થતાં હોસ્પિટલમાં લઇ ગયાં તો સગર્ભા હોવાનો ઘટસ્ફોટ થયો

સગીરાને પેટમાં દુ:ખાવો થતાં હોસ્પિટલમાં લઇ ગયાં તો સગર્ભા હોવાનો ઘટસ્ફોટ થયો   ભરૂચ તાલુકાના એક ગામની સગીરાને પેટમાં દુ:ખાવાની સમસ્યા થતાં પરિવારજનોએ તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની એક હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેનું પરિક્ષણ કરવામાં આવતાં તેને 4 મહિનાનો ગર્ભ રહી ગયો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. બનાવને પગલે સગીરાની માતાએ નબીપુર પોલીસનો સંપર્ક કરતાં પુછપરછમાં સિતપોણના એક યુવાનનું નામ ખુલતાં પોલીસે તેને દબોચી લીધો હતો. ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામની સગીરાને બે-ત્રણ દિવસથી પેટમાં દુ:ખાવો થતાં તેના પરિવારજનો ચિંતિત બન્યાં હતાં. તેઓએ તેને તુરંત ભરૂચની એક હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયાં હતાં. તબીબે સગીરાનું પરિક્ષણ કરતાં તેમણે ચોંકાવનો ઘટસ્ફોટ કર્યો હતો. તબીબે જણાવ્યું હતું કે, તેમની સગીર પુત્રી 4 મહિનાની સગર્ભા છે. તબીબના નિદાનથી પરિવારજનો અચંભામાં પડી ગયાં હતાં. તેમણે સગીરાની પુછપરછ કરતાં તેણે પણ ગભરાઇને કોઇ જાણકારી આપી ન હતી. જોકે, બાદમાં પરિવારે નબીપુર પોલીસની મદદથી બાળકીની પુછપરછ કરતાં તેણે ખુલાસો કર્યો હતો કે, સિતપોણ ગામના પ્રકાશ ગણપત પરમાર નામના યુવાને તેને લગ્નની લાલચ આપી અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. ઘટનાને પગલે પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે પોક્સો તેમજ દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સિતપોણના પ્રકાશ પરમારને દબોચી લીધો હતો. પોલીસની પુછપરછમાં તેણે સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની કબુલાત કરી હતી.

Related Posts