ગુજરાત

સસરાને ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા કરનાર જમાઇને થઇ આજીવન કેદ

ગુનાઇત માનસિકતા ધરાવતા પતિ સાથે છુટાછેડા લેવા માગતી પત્નીને મળવાના બહાને આવેલા જમાઇએ સસરાને ચપ્પાના ઘા મારી હત્યા કરી નાખી હતી. આ બનવાનો કેસ અદાલતમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા તેમજ ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો. તરસાલીના વિશાલ નગરમાં રહેતા જય પ્રકાશભાઈ દરજી અને રેખાબહેન જય પ્રકાશભાઈ દરજી પોતાની દીકરી ભૂમિકાના લગ્ન અક્ષરચોક પાસેના હરી દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા પંકજ ટેલરના પુત્ર મિતુલ સાથે કરાવ્યા હતા.

મિતુલ કામ-ધંધો કરતો ન હતો એટલે પત્ની ભૂમિકા પતિ સાથે છુટાછેડા લેવા માગતી હતી. દરમિયાન ભૂમિકા ગર્ભવતી થતાં તે પિયર સુવાવડ માટે ગઇ હતી અને તેણે દીકરીને જન્મ થયો હતો. ૧૫ જુના ૨૦૨૦ના રોજ મિતુલ ટેલર સાસરીમાં દિકરાને મળવાના બહાને આવ્યો હતો. દરમિયાન સસરા જયપ્રકાશભાઈએ જમાઈ મિતુલને તમે મારા ઘેર આવ્યા છો, તે અંગે પહેલાં તમારા પિતા સાથે વાત કરો, પછી આપણે વાત કરીએ. કારણ કે અમારે છુટાછેડા લેવાના છે તેમ કહેતાં ઉશ્કેરાયેલા મિતુલ ખિસ્સામાંથી ચપ્પું કાઢી જય પ્રકાશભાઈની ગરદનના ભાગે ઘા માર્યા હતા.

જમાઈએ સાસુ પરેશાબેનને પણ ૨ ઘા માર્યા હતા. આ બનાવમાં જયપ્રકાશભાઇનું મૃત્યુ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં સરકાર તરફે સરકારી વકીલ કે.પી.ચૌહાણ હાજર રહ્યાં હતા. ન્યાયાધીશે આરોપી મિતુલ જેલરને આજીવન કેદની સજા તેમજ રૂા.૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો. અદાલતે નોંધ્યું હતું કે, આરોપી ચપ્પું લઇને આવ્યો હતો જે પૂર્વનિયોજીત કૃત્ય હોવાનું જણાય છે. આરોપીએ હત્યાનો ગુનો આચર્યો હોવાનું નિંદક પુરવાર થાય છે.

Follow Me:

Related Posts