સાવરકુંડલા શહેરનો મહુવા અમરેલી નેશનલ હાઈવેનો બાયપાસ રોડ ક્યારે શરૂ થશે તેવો સાવરકુંડલા શહેર કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રૂસ્તમ સમાંનો તંત્રને વેધક સવાલ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઈવેનો સાવરકુંડલા મહુવા બાયપાસ રોડ છેલ્લા ઘણા સમયથી સામાન્ય બાબતે શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે. આમ કહો તો તંત્રની ટેકનીકલ અડચણો વચ્ચે હાથી પૂંછડે આવીને અટકે તેમ અટકીને પડ્યો છે. લોકો પણ આ બાયપાસ હમણાં શરૂ થશે હમણાં શરૂ થશે તેની રાહ જોઈને કંટાળ્યા છે ત્યારે હવે આ બાયપાસ રોડ ક્યારે શરૂ થશે તેવો વેધક સવાલ કોંગ્રેસના સાવરકુંડલા શહેર કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ રૂસ્તમ સમાં તંત્રને કરતાં જોવા મળેલ છે.
આ બાયપાસ શરૂ ન થવાને કારણે સમગ્ર શહેરમાંથી પસાર થતાં આ રોડ પર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતાં જોવા મળે છે. તો આ બાયપાસ રોડ ક્યારે શરૂ થશે? તેની કોઈ સમયમર્યાદા ખરી? મોટા મોટા વિકાસની વાતો કરતાં શાસકો હવે આ સાવરકુંડલાવાસીઓની આ બાયપાસ રોડની સુવિધા ક્યારે ઉપલબ્ધ કરાવશે? પ્રજા પણ આ સવાલનો જવાબ સાંભળવા આતુર હોય તેવું લાગે છે. એમાં પણ ખાસ કરીને સાવરકુંડલાના રજકાપીઠથી બસ ડેપો સુધી તો વાહનોની વણઝારા વચ્ચે આમજનતાએ અવરજવર કરવી એટલે માથાનો દુખાવો જ સમજવો.. હવે આ પરિસ્થિતિથી ક્યારે મુક્તિ મળશે એવું લોકો પણ ઈચ્છે છે..
Recent Comments